Site icon Revoi.in

કચ્છના માંડવીમાં મહારાણા પ્રતાપની 61 ફુટ ઉંચી પ્રતિમા મુકાશે

Social Share

ભૂજઃ છેલ્લા એક દાયકા દરમિયાન કચ્છના પ્રવાસન ક્ષેત્રનો સારોએવો વિકાસ થયો છે. કચ્છના ઘોરડા ખાતે આવેલા સફેદ રણ વિસ્તારને નિહાળવા દેશ-વિદેશથી અનેક લોકો આવે છે. ઘોળાવીરોને પણ વર્લ્ડ હેરિટેઝમાં સ્થાન મળ્યું છે. ઉપરાંત કચ્છના દરિયા કાંઠાનો પણ પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. કચ્છના પ્રવાસન સ્થળોમાં એક પીંછુ ઉમેરવા માંડવી નગરપાલીકા દ્વારા માંડવીમાં શીતળા મંદિર પાસેના રમણીય તળાવમાં વિશ્વની સૌથી ઊંચી 61 ફુટ ઉંચી મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમા મૂકાશે. 1 કરોડના અંદાજિત ખર્ચે મુકવા માટે કારોબારી સમિતિમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

કચ્છમાં પ્રવાસન નું હબ બની રહેલા માંડવીમાં આબેહૂબ મહારાણા પ્રતાપ જેવી લાગતી કાંસ્ય પ્રતિમાને એફઆરપી મટીરીયલ્સમાંથી આકાર આપવામાં આવશે. રાજસ્થાનના ઉદયપુરમાં 57 ફૂટની પ્રતિમાનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે માંડવી નગરપાલિકા 61 ફૂટ ઊંચી પ્રતિમાને મૂકીને ઇતિહાસ રચશે. આ સાથે યુવાનોમાં પણ ઇતિહાસને લઈને જાગૃતતા આવે તથા મહારાણા પ્રતાપના જીવનથી યુવાનો પ્રેરિત થાય તેવો ઉદ્દેશ્ય પણ રહેલો છે. તાજેતરમાં નગરપાલિકાની કારોબારીના આઠ સદસ્યોની સમિતિની બેઠક ચેરમેન જીજ્ઞાબેન હોદારના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં સેનિટેશન વિભાગના ચેરમેન જીજ્ઞેશ કષ્ટા દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે મહારાણા પ્રતાપની પ્રતિમા શીતળા તળાવમાં મુકવાની માંગ દોહરાવતા બાંધકામ વિભાગના ચેરમેન વિશાલ ઠક્કર અને પાણી પુરવઠા સમિતિના ગીતાબેન ગોર દ્વારા બહાલી આપવામાં આવી હતી. બેઠકના અંતે 61 ફુટ ઉંચી મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમા મૂકવા સર્વાનુમતે ઠરાવાયું હતું, જેને સામાન્યસભામાં બહાલ કરાશે તેમ કારોબારી ચેરમેને જણાવ્યું હતું.  આ પ્રતિમાની સ્થાપના માટે ટૂંક સમયમાં કન્સલ્ટિંગ, આર્કિટેક ની નિમણુંક તથા ટેન્ડર માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તથા જે કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા હશે તે ઝડપથી પૂર્ણ કરીને સમયના સંકલ્પ સાથે અહીં મહારાણા પ્રતાપની 61 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. (File photo)