Site icon Revoi.in

સામાન્ય માણસને ઝટકો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. 3 નો વધારો

Social Share

નવી દિલ્હી, 15 મે 2026: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે. સરકારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવી જાહેરાત મુજબ, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર સરેરાશ 3 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા ભાવવધારા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સામાન્ય પેટ્રોલની કિંમત 97.77 રૂપિયા અને ડીઝલની કિંમત 90.67 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. દૂધના ભાવમાં વધારા બાદ હવે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થતા સામાન્ય માણસના ખિસ્સાને ભારે અસર થશે.

શુક્રવારથી દેશના ચાર મુખ્ય મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો વધી ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં સીધો 3 રૂપિયાનો વધારો થયો છે, જેનાથી નવો ભાવ 97.77 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પેટ્રોલમાં 3.29 રૂપિયાનો વધારો થયો છે, જેનાથી ત્યાં પેટ્રોલ 108.74 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલ 3.14 રૂપિયા મોંઘુ થયું છે અને નવો ભાવ 106.68 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલ 2.83 રૂપિયા વધીને 103.67 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.

પેટ્રોલની જેમ ડીઝલની કિંમતોમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. દિલ્હીમાં ડીઝલ પર 3 રૂપિયાનો વધારો થતાં, જે ડીઝલ પહેલા 87.67 રૂપિયે મળતું હતું તે હવે 90.67 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. તેવી જ રીતે કોલકાતામાં ડીઝલ 3.11 રૂપિયા મોંઘુ થઈને 95.13 રૂપિયે અને મુંબઈમાં પણ 3.11 રૂપિયાના વધારા સાથે 93.14 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં ડીઝલના ભાવમાં 2.86 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેનાથી ચેન્નઈમાં ડીઝલનો નવો ભાવ 95.25 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યો છે.

આર્થિક બોજો ઘટાડવા આખરે આ વધારો લાગુ કરવામાં આવ્યો

આ અચાનક આવેલા ભાવવધારા અંગે પહેલેથી જ ઈશારો મળી ગયો હતો. આ સપ્તાહની શરૂઆતમાં જ, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્વીકાર્યું હતું કે વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન અનિશ્ચિતતાને જોતા આગામી સમયમાં ઇંધણના ભાવમાં વધારાની શક્યતાને નકારી શકાય નહીં. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો અને છેલ્લી વખત 2022માં કિંમતો વધી હતી. મંત્રીએ માહિતી આપી હતી કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) હાલમાં ભારે નાણાકીય દબાણનો સામનો કરી રહી છે અને એવી આશંકા છે કે તેમની ‘અંડર-રિકવરી’ (પડતર કિંમત કરતા ઓછી વસૂલાતથી થતું નુકસાન) વધીને 2 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આર્થિક બોજો ઘટાડવા આખરે આ વધારો લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ભારતમાં ઇ-બસ ક્રાંતિ: 2035 સુધીમાં વેચાણમાં ઇલેક્ટ્રિક બસોનો હિસ્સો 40 ટકા સુધી પહોંચવાની શક્યતા

Exit mobile version