Site icon Revoi.in

5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ લઘુત્તમ ટેકના ભાવ મુદ્દે સમિતિની કરાશે રચના

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર એક સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પછી MSP પર એક સમિતિની જાહેરાત કરવામાં આવશે. સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ આ જાહેરાત કરી હતી.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને MSP પર સમિતિની જાહેરાત અંગે ચૂંટણી પંચ (EC) ને પત્ર લખ્યો હતો. ચૂંટણી પંચે સલાહ આપી હતી કે રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ MSP પર સમિતિની જાહેરાત કરવામાં આવે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી હતી, જેમાં કહ્યું હતું કે MSP પર કાનૂની ગેરંટી માટે ખેડૂતોની માંગ પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે.

તોમરે વધુમાં કહ્યું, “આખો દેશ જાણે છે કે વડાપ્રધાને પાક વૈવિધ્યકરણ, કુદરતી ખેતી અને એમએસપીને અસરકારક અને પારદર્શક બનાવવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. પીએમ દ્વારા કરવામાં આવેલી જાહેરાત માટે સરકાર પ્રતિબદ્ધ છે અને સમિતિની જાહેરાત વિધાનસભાની ચૂંટણી પછી કરવામાં આવશે.”