Site icon Revoi.in

એક મહિલા ટ્રેકર કર્ણાટકના જંગલમાં ચાર દિવસ સુધી લાપતા રહ્યા, જાણો કેવી રીતે પત્તો લાગ્યો?

A female trekker went missing in the forests of Karnataka for four days

A female trekker went missing in the forests of Karnataka for four days

Social Share

બેંગલુરુ, 6 એપ્રિલ, 2026 –  કર્ણાટકના જંગલમાં ટ્રેકિંગ દરમિયાન લાપતા થયેલા કેરળના શરણ્યા નામના મહિલા ચાર દિવસ બાદ સુરક્ષિત મળી આવ્યા છે. તેઓ રવિવારે હેમખેમ મળી આવ્યા હતા. 36 વર્ષીય શરણ્યાને તળેટીમાં રહેતા આદિવાસી સમુદાયના યુવાનોએ શોધી કાઢ્યા હતા.

લાંબા ટ્રેક પર નીકળ્યા હતા

ટેક-પ્રોફેશનલ જી. એસ. શરણ્યા કેરળના કન્નૂરના રહેવાસી છે. તેઓ કર્ણાટકના કોડાગુમાં એક હોમસ્ટેમાં રોકાયા હતા. એવું કહેવાય છે કે તેઓ ગુરુવારે તાડિયાંડામોલના જંગલમાં અન્ય 15 લોકો અને એક નેચર ગાઈડ સાથે લાંબા ટ્રેક પર નીકળ્યા હતા, પરંતુ તેઓ ગ્રુપથી વિખૂટા પડી રસ્તો ભટકી ગયા હતા. શરણ્યા ટ્રેકર બેઝ પોઈન્ટ પર પાછા ન ફર્યા ત્યારે કોડાગુ જિલ્લામાં મલ્ટી-એજન્સી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. શોધખોળ દરમિયાન CCTV ફૂટેજ દ્વારા જાણવા મળ્યું કે તેઓ ટ્રેકિંગ માર્ગમાં પ્રવેશતા જોવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ત્યાંથી બહાર નીકળ્યા નહોતા.

માત્ર પાણી ઉપર પસાર કર્યા ચાર દિવસ

શરણ્યાને તળેટીમાં રહેતા આદિવાસી સમુદાયના યુવાનોએ શોધ્યા હતા. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. ચાર દિવસ સુધી જંગલોમાં ભટકનાર આ મહિલાના સાહસ અને હિંમતને સૌ કોઈ સલામ કરી રહ્યા છે. હકીકતમાં, હિંસક પ્રાણીઓ ધરાવતા આ જંગલમાં શરણ્યા ગુરુવારે ગ્રુપથી અલગ પડી ગયા હતા, ત્યારબાદ તેઓ રસ્તો ભટકી ગયા હતા. ચાર દિવસ સુધી તેઓ જંગલમાં ચાલતા રહ્યા અને ત્રણ રાત જંગલના અંધકારમાં ખુલ્લા આકાશ નીચે વિતાવી. તેમની પાસે માત્ર પાણી હતું અને મોબાઈલ ફોનની બેટરી પણ ખતમ થઈ ગઈ હતી, તેમ છતાં આ મુશ્કેલ સંજોગોમાં તેમણે હિંમત હારી નહોતી.

શરણ્યાએ એક મીડિયા એનડીટીવીને જણાવ્યું કે, “તેઓ રસ્તો ભટકી ગયા હતા, પરંતુ તેમને ક્યારેય ડર લાગ્યો નહીં. ખબર નહીં કેમ, મને ન તો ડર લાગ્યો કે ન તો ભૂખ લાગી. ચાર દિવસ સુધી માત્ર પાણી પીધું. વાસ્તવમાં, મેં મારી સાથે ખોરાક રાખ્યો નહોતો કારણ કે અમારે એક સરળ ટ્રેક ઉપર જવાનું હતું. મારી પાસે માત્ર પાણી હતું. હું જ્યાં રોકાઈ હતી તેની પાસે જ એક નાની નદી હતી અને મેં તેનું પાણી પીને જ ગુજારો કર્યો.”

આ પણ વાંચોઃ વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે યોજાયો અભૂતપૂર્વ સપ્તરંગ ક્રિએટર અવોર્ડ સમારંભ

તેમણે વધુમાં જણાવ્યું કે, “ત્રણ રાત અને ચાર દિવસ જંગલમાં વિતાવ્યા છતાં હું બિલકુલ ડરી નહોતી. મને ટ્રેકિંગ ખૂબ ગમે છે અને આગળ પણ ટ્રેકિંગ કરતી રહીશ.” જોકે, પરિવારને જોઈને શરણ્યા ભાવુક થઈ ગયા હતા.

આ ઓપરેશન તાડિયાંડામોલ પહાડી વિસ્તારમાં નક્સલ વિરોધી દળ (ANF), પોલીસ, વન અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓના સંયુક્ત પ્રયાસોથી ચલાવવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનમાં મોબાઈલ ફોન ટ્રેકિંગ, કોલ ડેટા રેકોર્ડ એનાલિસિસ, થર્મલ ઈમેજિંગ ડ્રોન અને સ્નિફર ડોગની મદદ લેવામાં આવી હતી. આખરે રવિવારે તેઓ હેમખેમ મળી આવતા તંત્ર અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

Exit mobile version