સામાન્ય રીતે કારેલાનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢા બગડી જતા હોય છે, પરંતુ જો તેને યોગ્ય રીતે બનાવવામાં આવે તો તે અત્યંત સ્વાદિષ્ટ લાગી શકે છે. કારેલાના પરોઠા એક એવો પૌષ્ટિક વિકલ્પ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે તો ફાયદાકારક છે જ, સાથે જ તે ફાઈબર અને વિટામિન્સથી પણ ભરપૂર છે. સવારના નાસ્તા કે લંચ બોક્સ માટે આ એક ઉત્તમ વાનગી છે.
-
સામગ્રી
કારેલા- 2થી 3 નંગ
ઘઉંનો લોટ- 2 કપ
કુંગળી-1 નંગ (ઝીણી સમારેલી)
લીલા મરચા- 2-3 (ઝીણા સમારેલા)
આદુ- નાની ચમચી(છીણેલું)
મસાલા- અડધી ચમચી હળદર, એક ચમચી લાલ મરચું. એક ચમતી ધાણાજીરુ, અડધી ચમચી આમચૂર પાવડર
મીઠુ- સ્વાદ અનુસાર
તેલ અથવા ધી- પરોઠા શેકવા માટે
-
બનાવવાની રીત
સૌ પ્રથમ કારેલાને ધોઈ તેની છાલ હલકી ઉતારી લો. હવે તેને ઝીણા સમારી લો અથવા છીણી લો. ત્યારબાદ તેમાં થોડું મીઠું ઉમેરીને 10-15 મિનિટ માટે રહેવા દો. આનાથી કારેલાની કડવાશ નીકળી જશે. સમય પૂરો થયા પછી કારેલાને હાથેથી બરાબર નીચોવી વધારાનું પાણી કાઢી નાખો. એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં આદુ, ડુંગળી અને લીલા મરચાં ઉમેરીને સાંતળો. ત્યારબાદ નીચોવેલા કારેલા ઉમેરીને 5-7 મિનિટ ચઢવા દો. હવે તેમાં હળદર, મરચું, ધાણાજીરું, આમચૂર પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. મસાલો તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડો થવા દો. એક વાસણમાં ઘઉંનો લોટ લો, તેમાં મીઠું ઉમેરો અને જરૂર મુજબ પાણી નાખીને નરમ લોટ બાંધી લો. લોટને 15 મિનિટ માટે ઢાંકીને રાખો જેથી પરોઠા નરમ બને. લોટના નાના લૂઆ બનાવી તેને થોડા વણી લો. તેની વચ્ચે 1-2 ચમચી તૈયાર કરેલો કારેલાનો મસાલો ભરો. તેને પેક કરીને હળવા હાથે વણી લો. હવે તવા પર તેલ અથવા ઘી લગાવીને મધ્યમ આંચ પર બંને બાજુ સોનેરી અને કુરૂકુરા થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર છે ગરમાગરમ કારેલાના પરોઠા! જેને તમે દહીં, અથાણું કે માખણ સાથે સર્વ કરી શકો છો.

