Site icon Revoi.in

જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણીમાં 222 કેક ધરાવાઈ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વીરપુરમાં જાણે  દિવાળી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.. ઘરે ઘરે રંગોળીઓ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. બાપાની જન્મજયંતીને લઇને ઘરે ઘરે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં હતા. તેમજ 222 કેક બનાવવામાં આવી હતી. ભાવિકોએ દર્શન માટે મોડી રાતથી લાંબી લાઇન લગાવી દીધી હતી.

કોરોનાના લોકડાઉન બાદ આજે ગુરૂવારે પ્રથમ વખત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી થઈ હતી. જલારામબાપાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશ-વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુરમાં ઊમટી પડ્યા હતા. સવારથી જ બાપાનાં દર્શન કરવા માટે ભાવિકોની કતારો લાગી હતી. અને તેમની જન્મજયંતીને લઇને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વીરપુરમાં ઘરે ઘરે રંગોળી દોરવામાં આવતાં દિવાળી જેવો માહોલ ઊભો થયો હતો.

દેશ-વિદેશમાં ડંકો વગાડનાર પૂજ્ય સંત શિરોમણિ જલારામબાપાની 222મી જન્મજયંતીને લઈને વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય એમ વીરપુરવાસીઓએ ઘેર ઘેર પોતાના આંગણે અવનવી રંગોળીઓ દોરી હતી, જેમાં જલારામબાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી હતી., દિવાળીમાં તો બધા રંગોળી કરતા જ હોય છે, પરંતુ વીરપુરમાં તો જાણે આજે જ દિવાળી હોય તેમ યાત્રાધામને સોળે શણગાર કરાયો હતો. ફૂલ અને આસોપાલવનાં તોરણ બાંધી સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું હતું.. દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને પૂજ્ય બાપાના જન્મદિનનાં વધામણાં કરવામાં આવ્યા હતા.

વીરપુર જય જલિયાણના નાદ સાથે જલારામમય બન્યું છે. વીરપુરમાં લોકોએ ઘરે ઘરે રંગોળીઓ અને અલગ અલગ ચોકમાં અવનવા ફ્લોટ તૈયાર કર્યા હતા. જલારામબાપાની શોભાયાત્રા પણ નીકળી છે. તેમજ 222 કેક બનાવવામાં આવી છે. દેશ-વિદેશમાંથી બાપાનાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. મોડી રાતથી ભક્તોની જલારામબાપાનાં દર્શન કરવા માટે લાંબી લાઈન લાગી હતી. મંદિર દ્વારા આજે અહીં આવેલા જલારામબાપાના ભક્તો માટે ખાસ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી..

બાપાની જન્મજયંતિને લઈને સમસ્ત વિરપુર ગ્રામજનો દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી. જલારામ બાપાની શોભાયાત્રાનું વિરપુરના ઐતિહાસિક એવા મીનળવાવ ચોકમાંથી પ્રસ્થાન કરાયું હતું. પૂજ્ય બાપાની 222મી જન્મજયંતિ હોવાથી શોભાયાત્રામાં પણ 222 કેક પૂજ્ય બાપાને ધરવામાં આવી હતી. શોભાયાત્રામાં જલાબાપાને કેક ધરીને ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવી હતી. આ કેક પૂજ્ય જલારામબાપાની જગ્યામાં જે ધર્મની ધ્વજા ફરકે છે તે પૂજ્ય બાપાની ધ્વજાના ત્રણ રંગ છે, લાલ, પીળો અને સફેદ તે જ ત્રણ રંગની એક એક કિલોની 222 કેક વિરપુરના સેવાભાવી યુવાનો દ્વારા બનાવવામાં આવી હતી.

Exit mobile version