Site icon Revoi.in

અમદાવાદમાં જન્માષ્ટમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં

Social Share

અમદાવાદઃ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અમદાવાદ સહિત અનેક શહેરોમાં ભવ્ય શોભા યાત્રા નીકળી હતી. જેમાં અમદાવાદ શહેરમાં પંરાગત ભારત સેવાશ્રમ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા બાદ યોજાયેલા ધર્મ સંમેલનમાં  વિવિધ સાધુ-સંતો, મહંતો અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલી આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યા શહેરીજનો જોડાયા હતા. નાના-મોટા 50થી વધુ વાહનો, બેન્ડ બાજા સહિત ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જય શ્રી રામના નારા સાથે આ શોભાયાત્રા પશ્ચિમ વિસ્તારના નવરંગપુરા, ઇન્કમટેક્સ, જુના વાડજ, નારણપુરા સહિતના વિસ્તારોમાં ફરી હતી.

ભારત સેવા શ્રમ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે અમદાવાદ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે ધર્મ સંમેલન અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના આશ્રમ રોડ પર ભારત સેવા શ્રમ સંઘ ખાતે ભગવાન શ્રીકૃષ્ણની સુદર્શન ચક્રધારી મૂર્તિની પૂજા-આરતી બાદ હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને વિશ્વશાંતિ યજ્ઞ પછી કરવામાં આવ્યો હતો. બપોરે 12 વાગ્યે શોભાયાત્રાને સ્વામી ગણેશાનંદજી મહારાજે ભગવી ધજા ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રામાં ધર્મ અને સત્યના વિજય માટે ગીતાનો કર્મબોધ આપતી પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સુદર્શન ચકધારી મૂર્તિ તથા યુગાચાર્ય સ્વામી પ્રણાવાનંદજી મહારાજનાં તૈલ ચિત્ર તથા દેવ- દેવીઓના ફોટા સાથે શણગારેલી ટ્રકો જોડાઇ હતી.

સુદર્શન ચક્રધારીની શોભાયાત્રા શહેરના આશ્રમ રોડ, ભારત સેવાશ્રમ સંઘ, નવરંગપુરા પોલીસ સ્ટેશન, નવરંગપુરા બસ સ્ટેન્ડ, હેવમોર, સ્ટેડીયમ સર્કલ, સરદાર પટેલ કોલોની, સવિતા સોસાયટીથી, નારણપુરા રેલ્વે ક્રોંસીંગ, શાંતિનગર, સુખરામ ફલેટ, હરેકૃષ્ણ ટાવર, જૂના વાડજ સર્કલ, ઉસ્માનપુરા ચાર રસ્તા, ઇન્કમટેક્સ ચાર રસ્તાથી પરત ભારત સેવાશ્રમ સંઘ ખાતે પરત ફરી હતી. યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાર્યકર્તાઓ અને નાગરિકો જોડાયા હતા.