Site icon Revoi.in

દિલ્હીઃ મમતા બેનર્જી અને સુબ્રમણ્યમ સ્વામી વચ્ચે બેઠક યોજાઈ

Social Share

દિલ્હીઃ વિવિધ મુદ્દા ઉપર કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરનારા ભાજપના જ સિનિયર નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગ બાદ વિવિદ રાજકીય અટકળો વહેતી થઈ હતી.પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી બે દિવસની દિલ્હીની મુલાકાતે છે. આ દરમિયાન બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જીને તેમના સાઉથ એવેન્યુ સ્થિત આવાસ પર મળ્યા હતા.

મુલાકાત બાદ ભાજપના નેતાએ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. મીટિંગ બાદ સ્વામીએ ટ્વિટ કરીને મમતા બેનર્જીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, “હું જે પણ રાજનેતાઓને મળ્યો છું કે જેની સાથે કામ કર્યું છે તેમાં મમતા બેનર્જી, જેપી, મોરારજી દેસાઈ, રાજીવ ગાંધી, ચંદ્રશેખર અને પીવી નરસિમ્હા રાવ જેવા છે. આ લોકોના કથન અને કાર્યોમાં કોઈ ફરક નહોતો. ભારતીય રાજકારણમાં આ એક દુર્લભ ગુણ છે.”કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાઓ અશોક તંવર અને કીર્તિ આઝાદ મમતા બેનર્જીની દિલ્હી મુલાકાતના પ્રથમ દિવસે TMCમાં જોડાયા હતા. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછી, મમતા બેનર્જી તેમની પાર્ટીના વિસ્તરણના મિશનમાં વ્યસ્ત છે અને આ ક્રમમાં અન્ય પક્ષોના ઘણા નેતાઓ ટીએમસીમાં જોડાયા છે.