Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં અતિક અહેમદને લઈને જતા પોલીસ વાહનને નડ્યો અકસ્માત !

Social Share

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ઉમેશપાલ હત્યા કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કુખ્યાત અતિક અહેમદની ઉત્તરપ્રદેશ પોલીસે કસ્ટડી મેળવી હતી. તેમજ રોડ માર્ગે ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પ્રયાગરાજ જવા રવાના થયો હતો. દરમિયાન મધ્યપ્રદેશમાં અતિક અહેમદ જે પોલીસ વાહનમાં બેઠો હતો તેની સાથે ગાય અથડાઈ હોવાની ઘટના બની હતી. જો કે, કોઈ મોટી દૂર્ઘટના સર્જાઈ ન હતી. આ અકસ્માતમાં ગાયનું મોત થયું હતું. પોલીસની ટીમ 24 કલાકની અંદર અમદાવાદથી અતિક અહેમદને લઈને ઉત્તરપ્રદેશ લઈ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની સાબરમતી જેલમાંથી ઉત્તરપ્રદેશનો પોલીસનો કાફલો અતિક અહેમદને લઈને વાહનમાં રવાના થયો હતો. ઉત્તરપ્રદેશ પોલીસના વાહનનો કાફલો મધ્યપ્રદેશમાંથી પસાર થયો હતો. સવારે મધ્યપ્રદેશની સરહદમાં પ્રવેશ કરતાની સાથે જ શિવપુરીના રામનગર ટોલ પ્લાઝા પાસે પોલીસ કાફલો અટકાવવામાં આવ્યો હતો. અતિક અહેમદને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લઘુશંકા કરવા માટે નીચે ઉતારવામાં આવ્યો હતો. આ દરમિયાન અતિક અહેમદે મૂછ ઉપર તાવ આપતા કેમેરામાં કેદ થયો હતો. આ દરમિયાન સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. અહેમદે કહ્યું હતું કે, મને કોઈ ડર નથી. જે માર્ગ ઉપરથી અતિક અહેમદને લઈને પોલીસ કાફલો પસાર થતો હતો ત્યાં મોટી સંખ્યામાં લોકો તેને જોવા મોટી સંખ્યામાં ઉમડી પડ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેશપાલ હત્યા કેસમાં અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની સંડોવણી ખુલી હતી. અશરફ પણ ગંભીર ગુનામાં હાલ બરેલી જેલમાં સજા ભોગવી રહ્યો છે. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા કેટલાક આરોપીઓને ઝડપી લઈને જેલના સલિયા પાછળ ધકેલી દીધો છે.