Site icon Revoi.in

રાજકોટના ગોંડલમાંથી રૂપિયા 27 લાખનો નકલી ઘીનો જથ્થો પકડાયો

Social Share

રાજકોટ : શહેર અને જિલ્લામાં શુદ્ધ ઘીના નામે નકલી વેચાતું હોવાની ફરિયાદો ઉઠતા મ્યુનિના તંત્ર ઉપરાંત પોલીસ પણ નકલી ઘી બનાવનારાને શોધી રહી છે દરમિયાન જિલ્લાના ગોંડલમાં 12 હજાર 738 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. હાઈવે પર આવેલી માલધારી હોટલ નજીક ખેતરમાં બનાવેલા ગોડાઉનમાંથી 27.43 લાખની કિંમતનો શંકાસ્પદ ઘી પોલીસે ઝડપી પાડ્યું છે. ખેતરમાં બનાવેલા ગોડાઉનમાં ભોજરાજપરા કુંભારવાડામાં રહેતા હરસુખ પરમાર નામના વ્યક્તિએ ગાયના ઘીના નામે શંકાસ્પદ ઘી બનાવી રાખ્યું હતું. હાલ તો પોલીસે શંકાસ્પદ ઘીના નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. નમૂનાની તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ તહેવારો પહેલાં જ ભેળસેળિયા સક્રિય થયા છે. થોડા દિવસ પહેલાં પણ ગોંડલમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના ગોંડલ શહેરમાં થોડા સમય પહેલા શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયાની ઘટના બાદ હાઇ-વે પર આવેલી માલધારી હોટલ નજીક વાડીના ગોડાઉનમાં સિટી પોલીસે રૂા.27.43 લાખની કિંમતનો 12,738 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો કબ્જે કર્યો છે. જેને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો, જેનો રિપોર્ટ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનું ધૂમ વેચાણ થતું હોય છે. જેથી જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ આપેલી સૂચનાને પગલે ગોંડલ સિટી પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન ગોંડલ ખાતે રહેતા અને હાઇ-વે નજીક માલધારી હોટલ પાસે ખેડૂતની વાડીના ગોડાઉનમાં આ નકલી ઘી મળ્યું  હતું.  ભોજરાજપરા કુંભારવાડામાં રહેતો હરસુખભાઈ વાઘજીભાઈ પરમાર દ્વારા કાઉ ઘી નામે ઘી બનાવતો હોવાની પી.એસ.આઇ. બી.એલ.ઝાલાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 27.43 લાખની કિંમતનો 12,738 લીટર શંકાસ્પદ ઘી સહિતનો મુદ્દામાલ કબ્જે કરી નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.