અણદાવાદઃ ગુજરાતમાં 36 નેશનલ ગેમ્સનો માસાંતે પ્રારંભ થશે, ત્યારે નેશનલ ગેમ્સના આયોજન પહેલાં અમદાવાદ શહેરમાં સૌથી મોટો સ્પોર્ટ્સ કાર્નિવલ સાબરમતીના રિવરફ્રન્ટ પર આજથી યોજાશે. આજે 15 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં વિવિધ પ્રકારની રમતો, લાઈવ મ્યુઝિકલ ઇવેન્ટ, ફૂડ ફેસ્ટિવલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ યોજાનારા સ્પોર્ટ્સ કાર્નિવલમાં કબડ્ડી, જુડો, મલખમ, સ્કેટિંગ, ફૂટબોલ વગેરે જેવી રમતો જોવાની મજા માણી શકશે. નેશનલ ગેમ્સ મેસકોર્ટ, ફૂડ કોર્ટ, સેલ્ફી પોઇન્ટ પણ ઊભો કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં સપ્ટેમ્બરના અંતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરાશે, નેશનલ ગેઈમ્સ પહેલા ખેલાડીઓ પ્રોત્સાહિત કરવા તેમજ પ્રમોશન માટે પ્રિ-ઇવેન્ટ તરીકે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે ચાર દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલમાં નામાંકિત કલાકારો દ્વારા ચાર દિવસ લાઈવ મ્યુઝિકલ પર્ફોર્મન્સ, સ્પોર્ટ્સ થીમ આધારિત પર્ફોર્મન્સ, વેસ્ટર્ન ડાન્સ પર્ફોર્મન્સ, વિવિધ રમતો, ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમની મજા માણી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતનાં સાત મહાનગરમાં 36 જેટલી રમતો માટે 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોમ્બર સુધી 36મી નેશનલ ગેમ્સ યોજાવવાની છે, જેમાં 7000 વધુ ખેલાડીઓ ભાગ લેશે. શહેરના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનો ભવ્ય ભવ્યાતિ ઉદઘાટન સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. 12 દિવસ માટે ગુજરાત સ્પોર્ટ્સમય સ્ટેટ બનવા જઈ રહ્યું છે, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધારે 16 જેટલી રમતો આઠ જેટલાં સ્થળોએ યોજાવવાની છે. સાબરમતી રિવરફ્રન્ટ, કેન્સવિલે, કાંકરિયા ટ્રાન્સેડિયા સ્ટેડિયમ, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ, સંસ્કારધામ, રાઇફલ કલબ અને ક્રાઉન શૂટિંગ અને સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમતો યોજાશે.
નેશનલ ગેમ્સને લઈ અમદાવાદના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર બ્રાન્ડિંગ કરવામાં આવશે. એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવશે. રમતનાં તમામ સ્થળો પર સીસીટીવી કંટ્રોલરૂમ અને સ્ટેટ કંટ્રોલરૂમ ઊભા કરવામાં આવશે. દરેક લોકેશન પર સાઈન બોર્ડ પણ મૂકવામાં આવશે. નેશનલ ગેમ્સના સેલ્ફી પોઇન્ટ પણ દરેક રમતના સ્થળ પર મુકાશે. દરેક રમતવીરને લાવવા લઈ જવા માટે અમદાવાદમાં 200 જેટલી ઈલેક્ટ્રિક બસો પણ મૂકવામાં આવશે.(file photo)