Site icon Revoi.in

દીયોદરમાં સ્કૂલે જતાં શિક્ષકનું ડમ્પરની અડફેટે મોત, ધાનેરામાં કારની ટક્કરથી બાળકીનું મોત

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જુદા જુદા બે અકસ્માતોના બનાવોમાં બેનાં મોત નિપજ્યા હતા. જેમાં દીયોદરના રાંટલી ગામના શિક્ષક પોતાના બાઈક પર સ્કૂલે જઈ રહ્યા હતા ત્યારે દિયોદરની જેતડા ચોકડી પાસે ટર્ન લેતા એક ડમ્પરે અડફેટે લેતા શિક્ષક પ્રવિણસિંહ સુબાભાઇ રાજપૂત મોતને ભેટ્યા હતા, જ્યારે અકસ્માતના બીજા બનાવમાં ધાનેરા તાલુકાના ધાખામાં કારે ટક્કર મારતા બાઈકસવાર 7 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું.

પ્રથમ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળે છે. કે,  જિલ્લાના દિયોદર તાલુકાના રાંટીલા ગામના પ્રવિણસિંહ સુબાભાઇ રાજપૂત ગામની જ શાળામાં આચાર્યની ફરજ બજાવે છે. સવારે પોતાના રુટિન સમય પ્રમાણે શાળાએ જવા નીકળ્યા હતા. આ દરમિયાન દિયોદરની જેતડા ચોકડી પાસે ટર્ન લેતા એક ડમ્પર નીચે આવી ગયા હતા. પ્રવિણસિંહ ડમ્પર નીચે આવી જતાં ડમ્પરના તોંતિંગ ટાયર તેમના શરીર પર ફરી વળ્યા હતા. જેથી તેમને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થાનિકોએ 108ને જાણ કરી હતી. 108ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ઇજાગ્રસ્ત શિક્ષકને સારવાર અર્થે દિયોદરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, શિક્ષકને અતિગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરોએ એમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતકના કાકાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જોકે, એકાએક શિક્ષકનું મોત થતાં શાળાના વિદ્યાર્થીઓ અને તાલુકાભરના શિક્ષકોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

બીજા અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  જિલ્લાના ધાનેરા તાલુકાના ધાખામાં પણ અકસ્માતમાં સાત વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. ધાખા ગામનો પરિવાર ધાનેરાથી બાઇક ઉપર ભાણીને લઇ ધાખા ગામ પરત ફરી રહ્યો હતો. ત્યારે ધાખા નજીક પાછળથી કારે ટક્કર મારતાં બાઇક સવાર ભાણીને ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણને ગંભીર ઇજાઓ હોવાથી ધાનેરામાં પ્રાથમિક સારવાર કરાવી વધુ સારવાર માટે  અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. કાર ચાલક અકસ્માત કરી ભાગી છૂટયો હતો. આ અકસ્માતમાં બાઈકનો ભુક્કો બોલી ગયો હતો.