Site icon Revoi.in

ગુજરાતમાં ખેડુતોને સિંચાઈ માટે પુરા આઠ કલાક વીજળી આપવાની માગ સાથે ટ્રેકટર રેલી યોજાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં રવિ સીઝન પૂર્ણ થઈ ગઈ છે. જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા છે તેવા ખેડુતો ઉનાળુ પાકની વાવણી કરી રહ્યા છે. હાલ સિચાઈ માટેના પાણીની ખાસ જરૂર છે, પરંતુ વીજળીના ધાંધિયાને કારણે ખેડુતો બોર-કૂવાઓમાં પાણી હોવા છતાં સિંચાઈ કરી શક્તા નથી.  ખેતી માટે આઠ કલાક વીજળી નહી આપતા ખેડુતો લડી લેવાના મુડમાં હોય તેમ લાગી રહ્યું છે. ખેડુતોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ભારતીય કિસાન સંઘ દ્વારા  ગાંધીનગરમાં આવતી કાલે તા. 25મીને શુક્રવારે  ટ્રેક્ટર રેલીનું આયોજન સવારે 9થી 11 કલાક દરમિયાન કરવામાં આવશે.

ભારતીય કિસાન સંઘના સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાની રાજ્ય સરકારની વાતો માત્ર સરકારી કાગળ ઉપર જ હોય તેમ ખેડુતોના વણ ઉકેલાયા પ્રશ્નો પરથી લાગી રહ્યું છે. ખેતી માટે આઠ કલાક વીજળી આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સૂર્યોદય યોજના શરૂ કરી હોવા છતાં હાલમાં તેની અમલવારીના મામલે લાલિયાવાડી ચાલી રહી છે. તેમાં હાલમાં ખેતી માટે આઠ કલાક વીજળી આપવામાં નહી આવતા રવી પાકની ખેતી મુરઝાઇ રહી હોવાનો આક્ષેપ ખેડુતોએ કર્યો છે.

ખેડુતોના પડતર પ્રશ્નો ઉકેલવા ભારતીય કિસાન સંઘ દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ખેતીની ઉપજના મોંઘવારી અનુસંધાને ભાવો મળવા જ જોઇએ. ખાતર પ્રેસ્ટીસાઇઝ તેમજ ખેત ઓજારોમાં જીએસટી પછી અસંખ્ય ભાવ વધારાએ ખેડુતોની આર્થિક કમર તોડી નાંખી છે. ખેતી વિષય વીજ મીટર હટાવી સમાન વીજ દર કરવાની માંગણી ખેડુતોમાં ઉઠી છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે 25 વર્ષથી દહેગામ અને ગાંધીનગરને નર્મદાના પાણીમાંથી લીલાછમ કરી દેવાનો વાતો વચ્ચે હકિકતમાં દિવસે દિવસે ખેતી સુકાઇ રહી હોવાનો આક્ષેપ ખેડુતોએ કર્યો છે. ખેત ઉપજના પુરતા ભાવ નહી મળતા ખેડુતો અને ખેત મજુરો બેકાર બન્યા છે. ખેતીના ઘાતક નિયમોથી ખેતીને નુકશાન થઇ રહ્યું છે.​​​​​​​ ઉદ્યોગપતિઓ અને રાજકીય ઓઠા હેઠળ જમીનો પચાવી પાડવાનો આક્ષેપ ખેડુતોએ કર્યો છે. છ કલાક વીજળી આપવામાં આવશે તો સરકાર પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી ભારતીય કિસાન સંઘે ઉચ્ચારી છે.(file photo)

 

Exit mobile version