Site icon Revoi.in

સુરતના સુવાલી દરિયા કિનારે બે દિવસીય ‘બીચ ફેસ્ટિવલ-2024’નું આયોજન

Social Share

અમદાવાદઃ દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.24 થી 25 ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે બે દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે. જેના આયોજન અર્થે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પ્રવાસનને વેગ મળે તેવા આશયથી રાજય સરકાર દ્વારા સુવાલી બીચ ફેસ્ટીવલ-2024નું આયોજન કરવામાં આવ્યું છે. સુવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે તથા પ્રવાસી/સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણે, વેચાણ સ્ટોલ ધારકોને તથા સ્થાનિકોને રોજી રોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા/તાલુકા વહીવટી તંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.

બીચ ફેસ્ટિવલમાં તા.24મી સાંજે પ્રખ્યાત લોક ગાયક કિર્તિદાન ગઢવી ડાયરામાં ઉપસ્થિત રહીને પોતાના કંઠથી લોકોને મનોરંજન પુરૂ પાડશે. બીચ ફેસ્ટિવલ સાંજે 4.30 વાગે મંત્રીઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. ઊંટ અને ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા-ફરવાની સાથે ખાણીપીણીનીનો આનંદ માણી શકશે.

રાજ્ય સરકાર દ્વારા સુવાલી બીચના વિકાસ માટે અંદાજીત રૂ. 48 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સૂચિત સર્કિટ હાઉસ, રોડ રસ્તા, પાણી, શૌચાલય, વીજળી વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રૂ.7 કરોડના ખર્ચે સુવાલી સુધીના રોડની કામગીરી અંતિમ તબક્કામાં છે. SUDA- સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ગત બજેટમાં રૂ. 10 કરોડ સુવાલી બીચના વિકાસ માટે મંજૂર કરવામાં આવેલ છે. સુવાલી બીચનો વિકાસ તબક્કાવાર ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. રૂ.7 કરોડના ખર્ચે સુવાલી બીચ સુધીનો 10 મીટર પહોળો રસ્તો બનાવવાની સાથે ગેસ્ટ હાઉસ તેમજ શૌચાલયો બનાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ છે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓ, વન વિભાગ તથા સખીમંડળોના સ્ટોલ્સ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન કરાયું છે. સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફુડ કોર્ટની વ્યવસ્થામાં નાગલીની વાનગી/ડાંગી ડિશ/ઉંબાડિયુ જેવી પરંપરાગત વાનગીઓ સાથે વિવિધ વાનગીઓના ફુડ સ્ટોલ રાખવામાં આવેલ છે. પરિવાર-મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન ઉભા કરાશે.