Site icon Revoi.in

કોરોના રસીકરણ અભિયાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા શિક્ષકની અનોખી પહેલ

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. કોરોના વાયરસને નાથવા માટે રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 15 કરોડથી વધારે લોકોએ કોરોનાની રસી લીધી છે. બીજી તરફ સરકાર પણ લોકોને કોરોનાની રસી લેવા માટે સતત અપીલ કરી રહી છે. તેમજ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતના ખેડાના એક શિક્ષકે કોરોના રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અનોખી પહેલ કરી છે. આ શિક્ષકે 51 ચોરસ ફૂટની વિશાળ રંગોલી તૈયાર કરી છે.

નડિયાદમાં રહેતા હિતેશકુમાર બ્રહ્મભટ્ટ વાલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લોકોમાં કોરોના રસીકરણ અંગે જાગૃતિ ફેલાય તેવા હેતુથી પોતાના ઘરના આંગણે 51 ચોરસ ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરી છે. “વેક્સિનેશનના પગલે ચાલ ,એ છે કોરોનાનો મહાકાલ” જેવુ સુંદર સ્લોગન લખીને લોકોને કોરોનાની રસી લેવા માટે અપીલ કરી છે. રંગોળીના માધ્યમથી કોરોનાથી બચવા માટે રસીકરણ ખૂબ અસરકારક છે એ વાતને ખુબ જ બારીકાઇથી દર્શાવી છે. તેમજ 18 વર્ષથી ઉપરના તમામે આ રસી લેવી જ જોઈએ તે પણ અપીલ કરાઈ છે. આ ઉપરાંત બે પગલા અને વિક્સિન-સિરિન્જ પણ બનાવવામાં આવી છે.

અમદાવ4દ સહિત સમગ્ર રાજ્ય કોરોના સામે લડત લડી રહ્યું છે. રસીકરણ અને કોવિડના ગાઈડલાઈનના ચુસ્ત પાલનથી જ આપણે કોરોનાને મ્હાત કરી શકીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના રાજકીય આગેવાનો તથા અન્ય મહાનુભાવોએ પણ કોરોનાને નાથવા રસી લેવા માટે અપીલ કરી હતી.