Site icon Revoi.in

કચ્છમાં વન્યપ્રાણી અભ્યારણમાં પાણીની સારી આવક થતા મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું થયું આગમન

Social Share

ભૂજઃ કચ્છમાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો હતો. તેથી રણકાંઠા વિસ્તારમાં હજુપણ પાણી ભરાયેલા છે. તેથી વિશાળ રણ વિસ્તારના છીછરી પાણીની મોજ માણવા માટે મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન થયુ છે. તેથી પક્ષીપ્રેમીઓ અને પક્ષીવિદો માટે કચ્છ રણ અભ્યારણ આકર્ષણનું સ્થળ બની રહ્યું છે. મોટા રણના ખડિર વિસ્તારમાં કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં ફ્લેમિંગોની લેસર અને ગ્રેટર ફ્લેમિંગો તેમજ જળચર પક્ષીઓનું આગમન આકર્ષણનું કારણ બન્યું છે. ફ્લેમિંગો સહિત અન્ય જળચર પક્ષીઓ માટે આ સમયગાળો મહત્વપૂર્ણ અને વાતાનુકૂલ છે ત્યારે કચ્છ જિલ્લાનું આ વન્ય પ્રાણી અભ્યારણ પક્ષીવિદો માટે અને પક્ષી પ્રેમીઓ માટે તેમજ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર માટે પણ મહત્વપૂર્ણ બન્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં વર્ષ-2019 ના ચોમાસા દરમિયાન બ્રીડીંગ સાઈટના નિરીક્ષણ અને અભ્યાસ દ્વારા તથા અગાઉની બ્રીડીંગ સાઈટના અભ્યાસના અનુભવે એવું જાણવા મળ્યું કે સામાન્ય રીતે રણમાં થોડી ઊંચાણ વાળી જગ્યાએ ઉપર લેસર ફ્લેમિંગો દ્વારા નવા માળા બનાવવામાં આવે છે તથા ઊંચા ટેકરા વાળા ભાગો કે જે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ખુલ્લા જોવા મળતા હોય છે અને જેના પર ઘાસનો ઉગાવો હોતો નથી તેવા નાના બેટ જેવા ભાગો ઉપર ગ્રેટર ફ્લેમિંગો દ્વારા વસાહત બનાવામાં આવતી હોય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કચ્છના રણ વિસ્તારમાં વન કર્મચારીઓના લાંબાગાળાના નિરીક્ષણ અને અભ્યાસના આધારે વર્ષ-2021-22 દરમ્યાન જુની બ્રીડીંગ સાઈટથી નજીકના વિસ્તારમાં આર્ટીફીસીયલ બ્રીડીંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા. જેનું માપ 200 મીટર × 10 મીટર x 1 મીટર જેટલું રાખેલ. તેમજ વચ્ચેથી પાણીના નિકાલ માટે 100 મીટરના અંતરે 10 મીટર જેટલી જગ્યા રાખી આવા કુલ-05 (પાંચ) જેટલા પ્લેટફોર્મ મીટીગેશન પ્લાન અંતર્ગત બનાવવામાં આવ્યા હતા. વર્ષ-2021ના ચોમાસા દરમિયાન ઉપરોક્ત પ્લેટફોર્મ પર ફ્લેમિંગો દ્વારા માળા બનાવવાની શરૂઆત થઈ હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ન થતાં રણમાં પાણીની આવક ન થતા ફ્લેમિંગો પરત ચાલ્યા ગયા હતા. દરમિયાન ગત જુલાઈ માસમાં ખુબજ સારો વરસાદ થવાથી કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણના સમગ્ર મોટા રણ વિસ્તારમાં પાણીની આવક સારી થવાથી સમગ્ર રણ વિસ્તાર પાણીથી ભરાઈ ગયું હતું. જેથી આ વર્ષે મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન થયું છે. અને ફ્લેમિંગો દ્વારા બનાવવામાં આવેલા ઉપરોક્ત તમામ પ્લેટફોર્મ પર જુલાઈ માસમાં વસાહત સ્થાપવામાં આવી છે અને ઈંડા મુકવામાં આવ્યા છે. તેમજ ઓગષ્ટ માસના અંતમાં ઈંડામાંથી બચ્ચા બહાર આવી ગયા છે.

કચ્છના વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ ચાલુ વર્ષે સારા વરસાદને કારણે સપ્ટેમ્બર માસ દરમિયાન પણ ઉપરોક્ત પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં નવી વસાહતો બની રહી છે અને હજી બીજા ફ્લેમિંગો, પેલીકન, રીવર ટર્નસ, બ્લેક વિંગ્સ સ્ટીલ્ટ, ગ્રે હેરોન, પેઈન્ટેડ સ્ટોર્ક, સ્લેંડર બીલ્ડ ગુલ્સ, કોમન સેન્ડ પાઈપર, કોમન સ્ટીલ્ટ ડક, ડાર્ટર, કોર્મોરંટ વગેરે જેવા જળચર પક્ષીઓનું આગમન કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં થઇ રહ્યું છે