Site icon Revoi.in

અમદાવાદમાં રોડ પરના ખાડાઓ પુરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ-કાર્યકર્તાઓની અટકાયત

Social Share

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓની હાલત બિસ્માર બની છે. રોડ પર ડામર ઉખડીને ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં પણ રોડ પર ખાડાઓ પડતા વાહનચાલકો પરેશાન બની ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ખાડાઓ પુરીને વિરોધ કરવાનો મહાનગરોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપ સરકારના રાજમાં ખાડા પડ્યા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સુરતમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ખાડા પૂર્યા હતા. બરોડા, રાજકોટ અને ભાવનગર બાદ શુક્રવારે અમદાવાદમાં લોકસભાના પૂર્વ પ્રભારી એચ.ડી. પટેલ અને અમદાવાદ જિલ્લા પ્રમુખ જે.જે. મેવાડાની આગેવાની હેઠળ નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તાથી બાપા સીતારામ ચોક સુધી ખાડા પુરવાની કામગીરી શરૂ કરી હતી. જો કે આ કામગીરી કરી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ સુરતમાં ખાડાઓ પુરવાનું શરૂ કર્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આગેવાનો અને કાર્યકરો સાથે સુરતના રીંગરોડ વિસ્તારમાં ઉધના દરવાજા પાસે એપલ હોસ્પિટલ નજીકના રોડ પરના ખાડાઓનું સમારકામ કર્યું હતું. જ્યારે વડોદરામાં પ્રદેશ સંયુકત મંત્રી વિરેન રામી, બરોડા લોકસભા પ્રભારી મયંક શર્મા અને બરોડા જિલ્લા પ્રભારી પ્રતિમા પટેલની આગેવાનીમાં ગેંડા સર્કલથી પંડ્યા બ્રિજ સુધીના ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ભાવનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ભાવનગર લોકસભાના અધ્યક્ષ ઉમેશ મકવાણા, ભાવનગર શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલાની આગેવાની હેઠળ, લીલા સર્કલ, B.A.D.A વિકાસ પથ અને રાજકોટમાં રાજકોટ જિલ્લા પ્રમુખ ચેતન કમાણીની આગેવાની હેઠળ રામાપીર ચોક (150 ફૂટ રીંગ રોડ) સાથે અન્ય જિલ્લાઓમાં પણ ખાડાઓ પુરવાનું અને રસ્તાઓનું સમારકામ કરવાની કામગીરી કરી હતી.

અમદાવાદ જિલ્લા પ્રમુખ જે.જે. મેવાડાની આગેવાની હેઠળ નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તાથી બાપા સીતારામ ચોક સુધી ખાડા પુરવાની કામગીરી શરૂ કરી હતી. જો કે આ કામગીરી કરી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.