Site icon Revoi.in

AAP, ઓવૈસી અને ગુલામ નબી આઝાદનો રાજકીય પક્ષ BJPની B ટીમઃ જયરામ રમેશ

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં જયરામ રમેશે કહ્યું કે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (MIMIM), આમ આદમી પાર્ટી (AAP) અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (DAP) ભાજપની ‘બી ટીમ’ છે. તેમણે આરોપ લગાવ્યો કે, દેશમાં કોંગ્રેસના મતો કાપવા માટે આ પાર્ટીઓને ઉભી કરવામાં આવી છે. દરમિયાન જયરામ રમેશના પૂર્વ સહયોગી અને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સફળ બનાવવા માટે અન્ય રાજ્યોમાંથી કાર્યકર્તાઓને અહીં લાવી રહી છે.

ગુલામ નબી આઝાદના આરોપોનો જવાબ આપતા જયરામ રમેશે કહ્યું, “આઝાદ તેમની નવી પાર્ટીને લઈને ખૂબ જ ચિંતિત છે, જે અત્યાર સુધી ચૂંટણી પંચમાં નોંધાયેલ નથી. આપણા દેશમાં ભાજપની ત્રણ ‘બી’ ટીમો છે જે કોંગ્રેસના મતો કાપવા માટે બનાવવામાં આવી છે. એક અસદુદ્દીન ઓવૈસીની AIMIM, બીજી AAP અને ત્રીજી ગુલામ નબી આઝાદની DAP.

તેમણે દાવો કર્યો હતો કે, આઝાદની નવી પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસમાં પાછા ફર્યા છે અને આઝાદ હવે માત્ર ડોડા સુધી જ સીમિત છે. તેમની પાર્ટી હજુ સુધી રજીસ્ટર પણ નથી થઈ. આ વાતને લઈને તે ખૂબ જ ચિંતિત પણ છે.

કોંગ્રેસના રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. છેલ્લા 125થી વધુ દિવસોમાં આ યાત્રા દેશના 10 રાજ્યોના 52થી વધુ જિલ્લાઓમાંથી પસાર થઈને જમ્મુ-કાશ્મીરના કઠુઆ પહોંચી છે. આ યાત્રામાં સાડા ત્રણ હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપવાનું હોય છે. આ યાત્રા જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પહોંચીને સમાપ્ત થશે.