Site icon Revoi.in

ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ધમકેદાર એન્ટ્રીબાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો, એટલું જ નહીં સપ્ટેમ્બર મહિનામાં પણ કેટલાક શહેરો-નગરોમાં હળવો વરસાદ વરસ્યો છે. જો કે, હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં કેટલાક શહેરો-નગરોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.

રાજ્યમાં 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો, સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે નર્મદાના સાગબારા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં બે-બે ઈંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થયા હતા. સુરત જિલ્લાના બારડોલી અને કામરેજમાં પણ બે-બે ઈંચ મેઘમહેર વરસી હતી. આ ઉપરાંત અમરેલીના રાજુલા અને જામનગરના કાલાવડમાં એક-એક વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આવતીકાલ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 17 થી 19 સપ્ટેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનમાં 82 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. જો કે, ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. જો કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ માહોલ જામ્યો હોય તેમ વિવિધ શહેરો-નગરોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો.