Site icon Revoi.in

ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વિના દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી, 5 વર્ષમાં 199 ના લાયસન્સ રદ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ બારોબાર દર્દીને દવા આપતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, બીજી તરફ આવા મેડિકલ સ્ટોર સંચાલકોને શોધી કાઢવા માટે રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિશેષ અભિયાન શરૂ કર્યાં છે. દરમિયાન પાંચ વર્ષના સમયગાળા દરમિયાન લગભગ 3500થી વધારે સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ કર્યા બાદ લગભગ 1284 જેટલા મેડિકલ સ્ટોરના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમજ 119 જેટલા મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર મેડિકલ સ્ટોરમાં તબીબના પ્રિસ્ક્રીપ્શન વિના દવાનું વેચાણ કરવુ ગુનો છે, તેમ છતા કેટલાક મેડિકલ સ્ટોર સંચાલકો આવી રીતે વેચાણ કરે છે. રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિશેષ અભિયાન હેઠળ વર્ષ 2017માં 644 સ્થળ પર દરોડા પાડીને 194 મેડિલક સ્ટોરના લાયસન્સ સસ્પેન્ડ કર્યાં હતા તેમજ 4 સ્ટોરના લાયસન્સ રદ કરવામાં આવ્યાં હતા. આવી જ રીતે વર્ષ 2018માં 1019 રેડ કરીને 459 લાયસન્સ સસ્પેન્ડ તથા 37 લાયસન્સ રદ કરાયાં હતા.

વર્ષ 2019માં 841 દરોડામાં 342 લાયસન્સ સસ્પેન્ડ તથા 42 લાયસન્સ રદ કરવામાં આવ્યાં હતા. 2020માં 452 સ્ટોર ઉપર દરોડા પાડીને 124ના લાયસન્સ સસ્પેન્ડ અને 16ના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં 2021માં 659 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. જેમાં 165 મેડિકલ સ્ટોરના લાયસન્સ સસ્પેન્ડ અને 20ના લાયસન્સ રદ કરવામાં આવ્યાં હતા.

આ ઉપરાંત કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો નશા માટે વપરાતી ઉંઘની ગોળીઓ અને કફ સિરફનું બારોબાર વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રૂ. 49 લાખની ગેરકાયદે વેચાતી ઉંઘની દવાઓ અને શિરફ પણ જપ્ત કરી હતી.