Site icon Revoi.in

ક્રિકેટના મેદાનમાં અદાણી જૂથની એન્ટ્રી, UAE T-20 લીગની એક ફ્રેન્ચાઈઝી ખરીદી

Social Share

નવી દિલ્હીઃ ભારત અને એશિયાના ટોચના ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીના અદાણી ગ્રુપે હવે ક્રિકેટના મેદાનમાં પણ પ્રવેશ કર્યો છે. ગ્રુપના સ્પોર્ટસ યુનિટ અદાણી સ્પોર્ટસલાઈનએ સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈના ફ્લેગશિપ ટી-20 ક્રિકેટ લીગમાં એક ફ્રેન્ચાઈઝી ઓપરેટ કરવા અને તેનો માલિકી હક્ક મેળવવાના અધિકાર ખરીદ્યા છે. આ ટી-20 ક્રિકેટ લીગ ભારતીય ઈવેન્ટ આઈપીએલ જેવી જ થવાની શકયતા છે.

યુએઈ ટી-20 લીગ વર્ષમાં એક વાર યોજાશે અને તેને અમિરાત ક્રિકેટ બોર્ડનું લાયસન્સ પણ મળ્યું છે. આ ઈવેન્ટમાં 6 ફ્રેન્ચાઈઝી ટીમ ભાગ લેશે અને ટુર્નામેન્ટમાં લગભગ 34 મેચ રમાશે. આ ઈવેન્ટમાં ક્રિકેટ રમતા તમામ મુખ્ય દેશોના જાણીતા ખેલાડીઓ ભાગ લે તેવી શકયતા છે. આ ટુર્નામેન્ટમાં એત ફ્રેન્ચાઈઝી ખરીદીને અદાણી સ્પોર્ટસલાઈનએ ભારતની બહાર પણ રમત-ગમત જગતમાં મહત્વનો નિર્ણય લીધો છે.

અદાણી સ્પોર્ટસલાઈનના પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, અમે યુએઈ ટી-20 લીગનો ભાગ બનીને ઉત્સાહિત છીએ, યુએઈ ક્રિકેટ પસંદ કરતા અનેક દેશોનો સંગમ છે. ક્રિકેટની રમત સતત ગ્લોબલ થઈ રહી છે અને યુએઈ ક્રિકેટને યોગ્ય પ્લેટફોર્મ પુરુ પાડે છે. અદાણી જુથ ભારતમાં બોક્સિંગથી લઈને કબડ્ડીની લીગ મારફતે સ્પોર્ટસ અર્થતંત્રને પ્રોત્સાહન આપી રહ્યું છે. અમને ગર્વ છે કે, અમારા પ્રયાસો થકી ભારતમાં જમીની સ્તર ઉપર પ્રતિભાઓને પ્રોત્સાહન આપ્યું છે.

યુએઈ ટી-20 લીગના ચેરમેન ખાલિદ અલ જરૂનીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અદાણી જેવુ જૂથ ફ્રેન્ચાઈઝીનું માલિક બને તે ટુર્નામેન્ટ માટે ગર્વની વાત છે. અમે અદાણી જૂથ સાથે મળીને આ લીગને સફળ બનાવવા ઉત્સાહિત છીએ.