Site icon Revoi.in

અદાણી RMRWની દેશભરની સાઈટ્સ પર માર્ગ સલામતી મહિનાની ઉજવણી

Social Share

આપણે સૌ જાણીએ છીએ કે સલામત ડ્રાઇવિંગ જીવન બચાવે છે, પરંતુ સામાન્ય જાણકારીનો આભાવ લોકોને ગંભીર અકસ્માત ભણી દોરી જાય છે. રોજબરોજના જીવનમાં માર્ગ સલામતીના નિયમોનું પાલન થાય અને અકસ્માતો અટકાવી શકાય તે હેતુથી સમગ્ર ભારતમાં અદાણી રોડ, મેટ્રો, રેલ અને વોટર (RMRW) ની તમામ સાઈટ્સ પર માર્ગ સલામતી મહિના (ટ્રાફિક સેફ્ટી મન્થ)ની ઉજવણી કરવામાં આવી. જેમાં 11 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી-2023 સુધી લોકોને ટ્રાફિક અને રોડ સેફ્ટી અંગે માહિતી પ્રદાન કરવામાં આવી.

એક મહિના સુધી ચાલેલા આ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટીતંત્ર સહિત લોકોએ સંપૂર્ણ સાથ સહકાર આપી સક્રિયપણે ભાગ લીધો. કાર્યક્રમોમાં ડ્રાઈવિંગ કરતી વેળાએ કોઈપણ અનિચ્છનીય ઘટનાઓ, અકસ્માતો અને જાનહાનિ ટાળવા માટેના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દારૂ પીને બેફામ ડ્રાઈવિંગથી દૂર રહેવા, લેન સેફ્ટી અને રોડ સેફ્ટીના વિષયો પણ આવરી લેવામાં આવ્યા હતા.

આ બહુહેતુક કાર્યક્રમોમાં બાળકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં જાગૃતિ અને સલામતી માટે શાળાઓ, કોલેજો અને ટોલ પ્લાઝા નજીકના ગામોને જોડવામાં આવ્યા હતા. લોકોને ટ્રાફિક સલામતી કેળવવા માટે વિવિધ પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. તદુપરાંત માર્ગ સલામતી અંગે લોકોને શું કરવું અને શું ન કરવું તે વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

RMRW દ્વારા રોડ્સના ડેવલપર/કન્સેશનર તરીકે 2024 સુધીમાં રોડ અકસ્માતમાં થતા મૃત્યુદરને 50% સુધી ઘટાડવાના સરકારના ઉમદા લક્ષ્યને હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે આ પહેલ આદરી છે. કંપની માર્ગ અકસ્માતને ટાળવા ના કોઈ જાનહાનિ, ના કોઈ ઇજા અને ના કોઈ બહાનું એ આદર્શ ધ્યેયવાક્યને સાર્થક કરવાનો અભિગમ ધરાવે છે.

માર્ગ સલામતિના કાર્યક્રમોમાં ડ્રાઈવર્સ માટે ખાસ કરીને રાત્રિનું વિઝન સુધારવા અને વાહનની પાછળના ભાગે ટક્કર વાગવાના અકસ્માતોને ટાળવા રિફ્લેક્ટિવ રેડિયમ સ્ટીકર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત તમામ પ્રોજેક્ટ સાઇટ્સ પર હેલ્મેટ, સીટ બેલ્ટ, નશામાં ડ્રાઇવિંગ વગેરેનું વ્યવસ્થિત અમલીકરણ કરવા સ્થાનિક સત્તાવાળાઓના સહયોગથી તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહીં, ટ્રક ડ્રાઈવર્સ માટે સ્થાનિક હોસ્પિટલોના સહયોગથી નિ:શુલ્ક આંખની તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતાં સ્થાનિક સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી રક્તદાન શિબિરો પણ રાખવામાં આવી હતી જેમાં અદાણી કંપનીના કર્મચારીઓ સહિત પેટા કોન્ટ્રાક્ટર્સે પણ હોંશભેર ભાગ લીધો હતો.

તમામ પ્રસ્તુતિને આકર્ષક અને રસપ્રદ બનાવવા માટે પ્રોજેક્ટ સાઇટ્સ પર કર્મચારીઓ અને તેમના પરિવારો માટે રોડ સેફ્ટી પર ક્વિઝ અને બાળકો માટે પોસ્ટર્સ સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

RMRW ની ટીમ જીવલેણ અકસ્માતો ટાળવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યૂહરચનામાં સુધારોવધારો કરીને જનજાગૃતિ ફેલાવવા તેમજ ડ્રાઈવર્સની વર્તણૂકોનું પરિક્ષણ કરીને માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા હંમેશા ખડેપગે કાર્યરત છે.

દુનિયાભરના વાહનોમાંથી માત્ર એક ટકા જ ભારતમાં છે તેમ છતાં માર્ગ અકસ્માતોમાં 10% મોત ભારતમાં થાય છે. આ પરિસ્થિતિ બદલવા સરકારે 2025 સુધીમાં દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કરવાનું નક્કી કર્યુ છે. આકરા દંડ, કડક ટ્રાફિક નિયમો અને કાયદાઓ ઉપરાંત લોકોનું સ્વયંશિસ્ત પણ માર્ગ અકસ્માતો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.