Site icon Revoi.in

અફઘાનિસ્તાનનો પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કર્યાનો દાવો, ISIS ના ઠેકાણા ઉડાવ્યા

Social Share

કાબુલ, 1 જુલાઈ 2026: અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે એક ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું છે કે તેની વાયુસેના (એરફોર્સ) એ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના આતંકી ઠેકાણાઓ પર જોરદાર હવાઈ હુમલા કર્યા છે. બે દિવસ પહેલા પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની ધરતી પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના જવાબમાં તાલિબાને આ જવાબી કાર્યવાહી કરી છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સૈન્ય કાર્યવાહી પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કરવામાં આવી છે. તાલિબાનનો આરોપ છે કે આ ઠેકાણાઓ પરથી અફઘાનિસ્તાનના નિર્દોષ નાગરિકો પર આતંકી હુમલાઓનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું.

તાલિબાન સરકારના દાવા મુજબ, આ એરસ્ટ્રાઈક અત્યંત સચોટતા સાથે કરવામાં આવી હતી, જેમાં ISIS ના અનેક લડાકુઓ માર્યા ગયા છે અને તેમના આતંકી કેન્દ્રો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. આ ઓપરેશનમાં કોઈ સામાન્ય નાગરિકનું મોત થયું નથી. કાબુલ પ્રશાસને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ભવિષ્યમાં પણ જો અફઘાનિસ્તાનની સુરક્ષા સામે કોઈ જોખમ ઊભું થશે, તો આવા જડબાતોડ હુમલા ચાલુ રહેશે.

બીજી તરફ, પાકિસ્તાને પણ આ હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે. જો કે, પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે બલૂચિસ્તાન સરહદે ઘૂસેલા અફઘાનિસ્તાનના 4 ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા. પાકિસ્તાન આર્મીના સત્તાવાર નિવેદન અનુસાર, સુરક્ષા દળોએ સમયસર ડ્રોનની હિલચાલ શોધી કાઢી હતી અને આધુનિક ટેકનોલોજીની મદદથી તેને નષ્ટ કર્યા હતા. પાકિસ્તાને ઉમેર્યું કે તાલિબાનની આવી બિનજવાબદાર લશ્કરી કાર્યવાહીથી અફઘાનિસ્તાનના સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધુ વધશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાન સરહદ નજીક અનેક વિસ્તારોમાં બોમ્બમારો કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સહાય મિશનના અહેવાલ મુજબ, પાકિસ્તાનના આ હુમલામાં ઓછામાં ઓછા 28 નાગરિકો માર્યા ગયા હતા અને 49 લોકો ઘાયલ થયા હતા. જો કે, અફઘાનિસ્તાન પ્રશાસનનો દાવો છે કે પાકિસ્તાને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા, જેમાં 36 લોકોના મોત થયા છે અને 160 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

તાલિબાને પાકિસ્તાનની આ કાર્યવાહીને કાયરતાપૂર્ણ ગણાવી હતી, જ્યારે પાકિસ્તાનનું કહેવું છે કે તેણે માત્ર આતંકવાદીઓને જ નિશાન બનાવ્યા છે. બંને દેશો વચ્ચે આ તણાવ એવા સમયે વધ્યો છે જ્યારે ગત ઓક્ટોબરમાં ભારે હિંસા બાદ બંને પક્ષો સીઝફાયર (યુદ્ધવિરામ) માટે સહમત થયા હતા.

આ વર્ષે ૧૬ માર્ચે પાકિસ્તાની વાયુસેનાએ પૂર્વી કાબુલમાં આવેલા ‘ઓમિદ ડ્રગ રિહેબિલિટેશન સેન્ટર’ (વ્યસન મુક્તિ કેન્દ્ર) પર ભયાનક હવાઈ હુમલો કર્યો હતો. આ 2000 બેડની હોસ્પિટલ પર થયેલા હુમલામાં 408 દર્દીઓ અને સ્ટાફના મોત થયા હતા, જ્યારે 265 લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાન લાંબા સમયથી આરોપ લગાવી રહ્યું છે કે તાલિબાન સરકાર પોતાની ધરતી પર પાકિસ્તાન વિરોધી આતંકીઓને આશરો આપી રહી છે, જો કે તાલિબાન સરકાર આ આરોપોને હંમેશા નકારતી આવી છે. આ તાજા ઘટનાક્રમ બાદ બંને પાડોશી દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.

Exit mobile version