Site icon Revoi.in

ગાંધીનગરમાં જર્જરિત ક્વાટર્સ ખાલી કરાવ્યા બાદ કર્મચારીઓને નવા મકાનો ન ફાળવાતા રોષ

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકાર દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી છે. ઘણાબધા કર્મચારીઓ વર્ષોથી સરકારી કવાટર્સમાં વસવાટ કરી રહ્યા છે. દરમિયાન ઘણા કવાટર્સ જર્જરિત થતાં કર્મચારીઓને અન્ય જગ્યાએ મકાનો ફાળવાશે તેમ કહીને ક્વાટર્સ ખાલી કરાવી દીધા હતા. હવે કર્મચારીઓને નવા ક્વાટર્સ ન ફાળવાતા કર્મચારીઓમાં રોષ ઊભો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં પાંચેક દાયકા પહેલાં બનાવેલા સરકારી ક્વાટર્સ જર્જરિત બનતા  ક્વાટર્સમાં રહેતા કર્મચારીઓને ખાલી કરાવવામાં આવે છે. ઉપરાંત રિપેરીંગના નામે ખાલી કરાવવામાં આવે છે. જોકે ક્વાર્ટર્સ ખાલી કરાવ્યા બાદ નવીન મકાન આપવામાં આવતું નથી. આથી આવા કર્મચારીઓને અગ્રતા ક્રમે સરકારી મકાન આપવાની કર્મચારીઓમાં માંગ ઉઠી છે.

કર્મચારીના કહેવા મુજબ રાજ્યના પાટનગરની રચના કર્યા બાદ સરકારી કચેરીઓ, સચિવાલય અને વિધાનસભામાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સેક્ટરોમાં અલગ અલગ કેટેગરી મુજબના સરકારી ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે. જોકે પાંચેક દાયકા પહેલાં બનાવેલા સરકારી ક્વાર્ટર્સ હાલમાં જર્જરીત હાલતમાં હોવાથી મકાન રહેવા લાયક નહી તેવું એન્જિનિયરનું લખાણ આપીને ક્વાર્ટર્સમાં રહેતા કર્મચારીઓને ખાલી કરાવવામાં આવે છે. ઉપરાંત રિપેરીંગ કરવા લાયક ક્વાર્ટર્સમાં રહેતા કર્મચારીઓને પણ ક્વાર્ટર્સ ખાલી કરાવવામાં આવે છે. જોકે કર્મચારીઓ આવા મકાનો ખાલી કરવા તૈયાર છે. પરંતુ તેની સામે અન્ય ખાલી ક્વાર્ટર્સ આપવામાં આવતું નથી. આથી આવા કર્મચારીઓને નવા ક્વાર્ટર્સ માટે વેઇટીંગમાં રહેવાની ફરજ પડી રહી છે. કર્મચારીઓને રિપેરીંગ કે જર્જરીત ક્વાર્ટર્સમાંથી કર્મચારીઓને ખાલી કરાવવાની સામે જ અન્ય ખાલી ક્વાર્ટર્સ આપવામાં આવે તેવી માંગણી કર્મચારીઓમાં ઉઠવા પામી છે. સરકારી જર્જરિત મકાનમાં રહેતા કર્મચારીઓને જર્જરિત મકાનો ખાલી કરાવ્યા બાદ નવા મકાન ન આપતાં કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. સરકારી ક્વાર્ટર્સમાંથી કર્મચારીના પરિવારને ખાલી કરાવ્યા બાદ ભાડાના મકાન માટે સેક્ટરોમાં રખડવાની ફરજ પડે છે.