Site icon Revoi.in

પંજાબ બાદ હવે દિલ્હીમાં પણ કોલેજના અધ્યાપકોના પગારનું સંકટ ઘેરાયું

Social Share

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી શાસિત પંજાબ બાદ હવે દિલ્હીમાં પણ સરકારી કર્મચારીઓના પગારનું સંકટ ઘેરી બની રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દિલ્હી સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી દિલ્હી યુનિવર્સિટીની દીન દયાલ ઉપાધ્યાય કોલેજે શિક્ષકોના પગારનો એક ભાગ રોકવાનો નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે. જુલાઇ મહિનાનો પગાર ચૂકવતી વખતે કોલેજે કર્મચારીઓને જાણ કરી હતી.

જાહેર કરાયેલી નોટિસમાં, કાર્યવાહક પ્રિન્સિપાલ હેમચંદ જૈને જણાવ્યું હતું કે, “આથી કોલેજના તમામ કાયમી શિક્ષકોને જાણ કરવામાં આવે છે કે ભંડોળની અછતને કારણે, સહાયક પ્રોફેસરોના પગારમાંથી રૂ. 30,000 અને તેમના પગારમાંથી રૂ. 50,000 રોકવામાં આવ્યાં છે. ભંડોળ આવતાની સાથે જ રકમ ચુકતે કરાશે.”

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે જ્યારે દિલ્હી સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી કોલેજને તેના કર્મચારીઓને પગાર ચૂકવવામાં પડકારોનો સામનો કરવો પડે છે.

દિલ્હી સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી કોલેજોએ ભંડોળની અછતને કારણે શિક્ષકોના પગાર ચૂકવવામાં વારંવાર અસમર્થતા દર્શાવી છે. જો કે, કોલેજના પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે દિલ્હી સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે ફંડ બહાર પાડ્યું હતું. ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ, સુનિલ કુમારે જૈનને એક ઇમેઇલ મોકલીને પૂછ્યું હતું કે કોલેજે પગારનો એક ભાગ કેમ રોકી રાખ્યો છે.

તેમણે લખ્યું હતું કે, “ઉચ્ચ શિક્ષણ વિભાગે પગારના હેડ હેઠળ જરૂરી રકમ જાહેર કર્યા પછી પણ કોલેજના કર્મચારીઓને જુલાઈ મહિનાનો તેમનો સંપૂર્ણ પગાર કેમ ચૂકવવામાં આવ્યો નથી. કૃપા કરીને સ્પષ્ટ કરો કે તમે કોની પરવાનગીથી આ રકમ કપાત કરી છે.”