Site icon Revoi.in

અમદાવાદના નહેરુબ્રિજનું સમારકામ પૂર્ણ થતાં વાહન માટે ખુલ્લો મુકાયો

Social Share

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડથી રિલિફ રોડ, મિરઝાપુર વિસ્તારને જોડતા નહેરૂ બ્રિજને 61 વર્ષ બાદ સંપૂર્ણપણે રિપેર કરવાનો હોવાથી  45 દિવસ માટે એટલે કે 27 એપ્રિલ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. હવે 45 દિવસની કામગીરી સંપૂર્ણ થયા બાદ ફરીવાર નહેરૂબ્રિજને ખોલી દેવામાં આવ્યો છે. જેને લીધે વાહન ચાલકોને રાહત થઈ છે.

શહેરના સાબરમતી નદી પરના નહેરૂ બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધુ રહેતુ હોય છે. વર્ષો જુના આ બ્રિજને રિપેરિંગ કરવાનો હોવાથી છેલ્લા 45 દિવસથી વાહન વ્યવહાર માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. તેના લીધે વિવેકાનંદ બ્રિજ અને ગાંધી બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધી ગયુ હતું. હવે નહેરૂ બ્રિજનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ જતાં નહેરૂ બ્રિજને વાહનો માટે ખોલી દેવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિ.એ 3.25 કરોડના ખર્ચે એક કંપનીને રિપેરિંગનું કામ સોંપ્યું હતું. 1960માં બનેલા 442.34 મીટર લાંબા અને 22.80 મીટર પહોળા બ્રિજનું પહેલીવાર મોટાપાયે રિપેરિંગ કરવામાં આવ્યું છે. બ્રિજના 7 સસ્પેન્ડેડ સ્પાનની 126 બેરિંગને બદલવી પડે તેમ હોવાથી 126 અલાસ્ટોમેરિક બેરિંગથી તેને રિપ્લેશ કરવામાં આવી છે. આ ઉપરાંત 320 મીટર લાંબા એક્સપાન્શન જોઇન્ટના રિપ્લેસમેન્ટની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

સાબરમતી નદી પર વર્ષો પહેલાં બનેલા પાંચથી વધુ બ્રિજના ઉપરના ભાગમાં મોટી તિરાડ પડી હતી. આ તિરાડ વાહનચાલકો માટે ભયજનક બની શકે એમ હતી, જેને કારણે બ્રિજ પરથી વાહન ચલાવવું ખાસ કરી ટૂ-વ્હીલરચાલકો માટે ભારે જોખમી બન્યું હતું, જેને લઈ કોર્પોરેશન દ્વારા તમામ બ્રિજનું સમારકામ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. ગત વર્ષે સુભાષબ્રિજના સમારકામ બાદ નેહરુબ્રિજના સમારકામની કામગીરી શરૂ કરવામા આવી હતી, જેના માટે વાહનચાલકો માટે બ્રિજ 45 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો.