Site icon Revoi.in

તાજમહેલને આગરા પાલિકાએ બાકી પાણી અને હાઉસ ટેક્સ અંગે નોટિસ ફટકારી

Social Share

નવી દિલ્હીઃ આગરા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજમહેલને લઈને 2 કરોડ રૂપિયાના હાઉસ ટેક્સ અને વોટર ટેક્સની નોટિસ મોકલી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને નોટિસ મોકલીને માત્ર 15 દિવસનો સમય આપ્યો હોવાનું જાણવા મળે છે.

એક ASI અધિકારીએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેમને મહાનગરપાલિકા તરફથી એક નોટિસ મળી હતી, જેમાં ટેક્સ ન ભરવા માટે પ્રોપર્ટી અટેચ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. જેમાં તેમને 1.9 કરોડ રૂપિયાનો વોટર ટેક્સ અને 1.5 કરોડ રૂપિયાનો હાઉસ ટેક્સ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

ASI અધિકારી રાજકુમાર પટેલે જણાવ્યું હતું કે, જે ઈમારતો રાષ્ટ્રીય ધરોહર છે તેના પર મિલકત વેરો વસૂલવામાં આવતો નથી. પાણીનો કોઈ વ્યવસાયિક ઉપયોગ થતો નથી, તેથી પાણી વેરો ભરવાની જવાબદારી અમારી નથી. પાણીનો ઉપયોગ તાજમહેલની આસપાસની હરિયાળી જાળવવા માટે જ થાય છે. પાણી અને મિલકત અંગે ટેક્સની નોટિસ મોકલવામાં આવી હોય તેવું પહેલીવાર બન્યું છે. તેમણે કહ્યું, ‘શક્ય છે કે આ નોટિસ ભૂલથી મોકલવામાં આવી હોય તેવુ લાગે છે.’

મ્યુનિસિપલ કમિશનર નિખિલ ટી ફુંડેએ કહ્યું કે, મને તાજમહેલ ટેક્સ અંગે કોઈ કાર્યવાહીની જાણ નથી. જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ (GIS)ના આધારે રાજ્યભરમાં નોટિસ મોકલવામાં આવી રહી છે. આ સર્વે ટેક્સની ગણતરી માટે કરવામાં આવ્યો છે. તેમાં સરકારી કચેરીઓ, ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે જેને નોટિસ મોકલવામાં આવી છે. આ સિવાય નિયમો અનુસાર ટેક્સમાં છૂટ પણ આપવામાં આવશે. જો ASIને નોટિસ મોકલવામાં આવી છે તો તેમના જવાબ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.