Site icon Revoi.in

બીજ નિગમ દ્વારા બિયારણ માટે ખરીદાતા પાકના ખેડુતોને પુરતા ભાવ આપવા કૃષિમંત્રીની સુચના

Social Share

ગાંધીનગરઃ ગુજરાત બીજ નિગમ દ્વારા ખેડુતોને પ્રામાણિત કરેલું બિયારણ આપવામાં આવે છે. બિયારણ માટે જીરૂ, મગફળી, દીવેલા, સહિતનો પાક ખેડુતો પાસેથી ખરીદવામાં આવે છે. પરંતુ ખેડુતો પાસેથી  જે ફસલ ખરીદવામાં આવે છે. તેના બીજ નિગમ દ્વારા પુરતા ભાવ અપાતા નહીં હોવાની ફરિયાદો ઊઠી છે. આથી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા બીજ નિગમના અધિકારીઓને બોલાવીને ખેડુતોને યોગ્ય ભાવ આપવાની સુચના આપી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ખેડૂતો પાસેથી ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા બિયારણ માટે વિવિધ પાકની ખરીદી કરવામાં આવે છે. આ ખરીદીમાં બજાર ભાવ કરતાં ઓછા ભાવ ખેડૂતોને મળતા હોવાની ફરિયાદ છેલ્લા સતત બે વર્ષથી હતી. આથી કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂત આગેવાનો અને બીજ નિગમના કર્મચારીઓને સામસામે બેસાડીને વાટાઘાટો કરાવી હતી. કૃષિ મંત્રીએ આ મુદ્દે ફરી વખત ખેડૂતોને ઓછા ભાવ ન મળે તે જોવાની તાકીદ બીજ નિગમના અધિકારીઓને કરી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું ઙતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી બિયારણ માટે મગફળી, જીરું, દિવેલા, તલ સહિતના વિવિધ પાકની ખરીદી કરવામાં આવે છે. આ ખરીદી વેપારીઓ જે ભાવ ખરીદતા હોય તેના કરતા ઊંચા ભાવે ખરીદી કરવાનો હેતુ બિજ નિગમનો છે. જ્યારે બિયારણને વેપારીઓ જે ભાવે વેચતા હોય તેના કરતા ઓછા ભાવે બીજ નિગમ વેચે તેવો હેતુ છે. બિયારણ માટે બીજ નિગમ ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. આ બિયારણ માટેનો પાક બજાર ભાવ કરતા ઊંચી કિંમતે વેચવો તેવો હેતુ બીજ નિગમનો હોવા છતાં બીજ નિગમ બે વર્ષથી ખેડૂતોને બજાર ભાવ કરતાં ઓછા ભાવ આપી રહ્યું હોવાની ફરિયાદ ખેડૂત આગેવાનોએ કરી હતી. ખેડૂતોએ બજાર ભાવ અને બીજ નિગમ દ્વારા કરાયેલી ખરીદીના આંકડા આપીને બીજ નિગમના અધિકારીઓને પ્રત્યુત્તર આપ્યો હતો. આથી ખેડૂતોની વાતમાં તથ્ય જણાતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ખેડૂતોની વાતમાં સહમત થયા હતા. ખેડૂતોએ બીજ નિગમ દ્વારા પાકની ખરીદી પણ મોડે મોડે થતી હોવાથી ખેડૂતોને સંગ્રહ કરવામાં તકલીફ પડે છે. બીજી બાજુ બીજ નિગમ પાસે અમદાવાદની આસપાસના વિસ્તારમાં જ પૂરતી સંખ્યામાં બિયારણ સંગ્રહ કરવા માટેનાં ગોડાઉન છે છતાં બેથી ત્રણ મહિના પાક મોડો ખરીદવામાં આવતો હોવાથી ખેડૂતો તેમના ગોડાઉનમાં અન્ય પાક સંગ્રહ કરી શકતા નથી.