Site icon Revoi.in

અમદાવાદઃ યુગાન્ડાથી આવેલા યુવક-યુવતીના પેટમાં 165 કેપ્સ્યુલમાં છુપાયેલો 1.8 કિલો હેરોઈન જપ્ત કરાયું

Social Share

અમદાવાદઃ દક્ષિણ આફિક્રાના યુગાન્ડાથી અમદાવાદ આવેલા યુવક-યુવતીના પેટમાંથી કેપ્સ્યુલમાં છુપાવેલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બંને વ્યક્તિઓના પેટમાંથી કાઢવામાં આવેલી 165 કેપ્સ્યુલમાંથી 1.8 કિલો જેટલું હેરોઈન મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બંને વ્યક્તિઓ તાજેતરમાં જ હવાઈ માર્ગે અમદાવાદ આવી હતી. ત્યારે શંકાના આધારે તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમજ હોસ્પિટલમાં તપાસ કરતા તેમણે પોતાના પેટમાં કેપ્સ્યુલમાં હેરોઈન છુપાવ્યું હોવાનું સામે આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારના ડાયરેક્ટોરેટ ઓેફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગને બાતમી મળી હતી કે સાઉથ આફ્રિકામાંથી આવેલા યુવક-યુવતીના પેટમાં ડ્રગ્સની કેપ્સ્યુલ છે. જેથી હવાઈ માર્ગે અમદાવાદ આવેલા યુવક-યુવતીની અટકાયત કરવામાં આવી હતી. તેમજ તેમને સોલા સિવિલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં તેમના એક્સ-રે અને સીટી સ્કેન કરવામાં આવ્યાં હતા. જેમાં પેટમાં કેટલીક કેપ્સ્યુલ જોવા મળી હતી. જેથી બંનેને એનિમા આપીને 135 શંકાસ્પદ ડ્રગ્સની કેપ્સ્યૂલ કાઢવામાં આવી હતી. બન્ને યુગાન્ડાના નાગરિકોના શરીરમાંથી 165 જેટલી કેપ્સ્યૂલમાંથી 1.811 કિલો હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી બંનેની નશીલા દ્રવ્યોની હેરાફેરી કરવા બદલ ધરપકડ કરાઈ હતી. હોસ્પિટલમાં યુવકના પેટમાંથી 86 અને યુવતીના પેટમાંથી 50 જેટલી કેપ્સ્યુલ કાઢવામાં આવી હતી.

ભારતમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ માદર દ્રવ્યોની હેરાફેરી કરનારાઓ પોલીસથી બચવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. યુગાન્ડાથી આવેલા યુવક-યુવતીએ નશીલા દ્રવ્યોની હેરાફેરી માટે અજમાવેલી તરકીબ જાણીને ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.