Site icon Revoi.in

અમદાવાદઃ ગુજરાતના માર્ગો ઉપર માર્ગ વાહનવ્યવહાર નિગમની નવી 301 બસ દોડતી થઈ

Social Share

અમદાવાદઃ પ્રજાજનોની પરિવહન અને પ્રવાસની સુવિધા સુખદ બનાવવા રાજ્ય સરકારનો માર્ગ વાહનવ્યવહાર નિગમ સતત કાર્યરત છે ત્યારે આજે અમદાવાદ ખાતેથી વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રૂ. 111 કરોડના ખર્ચે નવીન 301 જેટલી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું. વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ્રીએ આગ્રહપૂર્વક એસ.ટી બસના ડ્રાઈવર અને કંડકટરોના હસ્તે જ લીલી ઝંડી અપાવી પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રી સહિતના મહાનુભાવોએ બસની અંદર જઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને મુસાફરી પણ માણી હતી.

આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદથી પ્રસ્થાન કરાવેલી ‘દાદાની સવારી, એસ.ટી અમારી’ રાજ્યના ખૂણે ખૂણે દોડી મુસાફરોના પરિવહનને વધુ સરળ બનાવશે. આજે એસ.ટી બસોની સુવિધા અને ઇમેજમાં બદલાવ આવ્યો છે જેના કારણે મુસાફરોની સંખ્યા સતત વધતી જાય છે. તેમણે આંકડા આપી જણાવ્યું હતું કે, છેલ્લા 14 મહિનામાં રાજ્ય સરકારે 1800થી વધુ બસો જનતાની સેવામાં મૂકી છે, આજની 300થી વધુ બસોનો ઉમેરો થતાં નવીન બસોની સંખ્યા 2100ને પાર પહોંચી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ મુસાફરી કરતા લોકોના આંકડા આપતા કહ્યું કે, પહેલા રાજ્યમાં દરરોજ 25 લાખ લોકો એસ.ટી બસમાં મુસાફરી કરતા હતા, જ્યારે આજે દરરોજ 27 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે, જે આનંદની વાત છે. આવનારા દિવસોમાં મુસાફરોની સંખ્યા વધીને 30 લાખ થાય તે દિશામાં રાજ્ય સરકારનો વાહન વ્યવહાર વિભાગ પ્રયત્ન કરી રહ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ એસટી બસોના ડ્રાઇવર-કન્ડક્ટરની પ્રશંસા કરતા કહ્યું કે, એસ.ટી બસોના ઈમેજના બદલાવમાં મહત્તમ ફાળો ડ્રાઈવર અને કંડકટરોનો પણ છે. મુસાફરોના સુખદ પ્રવાસના તેઓ માધ્યમ બન્યા છે.

આજે પ્રસ્થાન કરાવેલી 301 જેટલી નવીન બસોની વિશેષતા વિશે વાત કરીએ તો, 59 જેટલી બસો સુપર એકસપ્રેસ છે જ્યારે 177 જેટલી બસો રેડી.બિલ્ટ સુપર એકસપ્રેસ છે. આ ઉપરાંત 32 જેટલી બસો સેમી લક્ઝરી (ગૂર્જર નગરી) અને 33 જેટલી બસો સેમી સ્લીપર કોચવાળી ફાળવવામાં આવી છે.