Site icon Revoi.in

અમદાવાદઃ પિતાને અકસ્માત થયાનું જણાવી દીકરા પાસેથી અજાણ્યો શખ્સ રોકડ લઈ થયો ફરાર

Social Share

અમદાવાદઃ ઠગાઈ આચરવા માટે ગુનેગારો નવી-નવી તરકિબ અજમાવે છે. અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં નોકરી કરતા દંપતિના ઘરે અજાણ્યા વ્યક્તિએ જઈને ઘરમાં હાજર દીકરાને તેના પિતાનો અકસ્માત થયાની જાણ કરી હતી. તેમજ ઘરમાં પડેલા નાણા લઈને હોસ્પિટલ આવવા કહ્યું હતું. જેથી ડરી ગયેલો દીકરો નાણા લઈને જતા અજાણ્યો શખ્સ તેની પાસેથી રૂ. 48 હજાર લઈને પલાયન થઈ ગયો હતો. પિતા સહિસલામત હોવાનું માલુમ પડતા દીકરાએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, પોતાની સાથે છેતરપીંડી થયાની જાણ થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ પરમાર કાલુપુરમાં એક પ્લાસ્ટિકની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેમની પત્ની પણ નોકરી કરતી હોવાનું જાણવા મળે છે. દરમિયાન અજાણ્યો શખ્સ ઘરે આવ્યો હતો અને ઘરે હાજર પ્રવીણભાઈના પુત્ર રાહુલને કહ્યું હતું કે, તારા પપ્પાનો અકસ્માત થયો છે અને દવા માટે ઘરમાં રૂપિયા પડયા હોય તો લઈ લેવાનું કહ્યું હતું. જેથી રાહુલ ઘરમાં પડેલા રૂ. 80 હજાર લઈને તેની સાથે રિક્ષામાં ગયો હતો. દરમિયાન સુભાષબ્રિજ પાસે અજાણ્યા શખ્સે તેની પાસેથી રૂ. 48 હજાર લીધા બાદ એક કોમ્પલેક્ષ બતાવ્યું હતું. તેમજ ત્યાં આવેલી હોસ્પિટલમાં દાખલ હોવાનું કહીને પલાયન થઈ ગયો હતો. દરમિયાન પ્રવીણભાઈને ફોન કરતા તેઓ સલામત હોવાનું જાણીને રાહુલ અને તેની બહેને રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, પોતાની સાથે છેતરપીંડી થયાનું રાહુલને માલુમ પડ્યું હતું. અંતે આ અંગે પ્રવીણભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.

Exit mobile version