Site icon Revoi.in

અમદાવાદ બન્યું ભુવાનગરીઃ પાંચ દિવસમાં ચાર સ્થળોએ પડ્યાં ભુવા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે જો કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન મેગાસિટી અમદાવાદમાં ભુવા પડવાનો સીલસીલો યથાવત રહ્યો છે. પાંચ દિવસના સમયગાળામાં શહેરના વિવિધ વિસ્તારમાં ચાર જેટલા ભુવા પડ્યાં હોવાનું જાણવા મળે છે. માર્ગ ઉપર ભુવા પડવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વગર વરસાદે રસ્તા પર ભૂવો પડતા સ્થાનિકોમાં પણ વહીવટી તંત્ર સામે નારાજગી ફેલાઈ છે. મેગાસિટી અમદાવાદમાં 94 ભૂવા પડ્યા છે. જે પૈકી હજુ પણ 10થી વધુ ભૂવાના રિપેરીંગની કામગીરી અધૂરી હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં છેલ્લા કેટલાક દિવસે મેઘરાજાએ વિરામ લીધો છે. દરમિયાન શહેરના જુહાપુરા વિસ્તારમાં મનપાનું કચરો ભરીને પસાર થતું ડમ્પરનું પાછળનું વ્હીલ રોડ ઉપર પોલાણવાળી જગ્યાએ ફસાઈ ગયું હતું. લગભગ 2 કલાક કરતાં પણ વધારે સમય સુધી ડમ્પર ભુવામાં રહ્યા બાદ આખરે AMCએ આ એક ડમ્પરને ભુવામાંથી કાઢવા, 2 ક્રેઇન મંગાવી. ભારે જહેમત બાદ ડમ્પરને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યારે હાલ મેટ્રોસિટીમાં ભૂવારાજને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.