Site icon Revoi.in

અમદાવાદઃ હાઈટેક ગુનેગારોએ વેપારીનું સીમકાર્ડ ક્લોન કરીને બેંકમાંથી 2.39 કરોડ ઉપાડી લીધા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સાઈબર ક્રાઈમના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે અને ગુનેગારો પણ વધારે હાઈટેક થઈ ગયા છે, નવી-નવી તકનીકો અજમાવીને ગુનાને અંજામ આપે છે. દરમિયાન અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મકરબા વિસ્તારના વેપારીના મોબાઈલ ફોનનું સીમકાર્ડ અજાણ્યા શખ્સોએ ક્લોન કરીને તેમના બેંકના ખાતામાંથી રૂ. 2.39 કરોડ બારોબાર ઉપાડી લઈને છેતરપીંડી આચરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કપાસ અને દોરાની નિકાસના વ્યવસાય સાથે જોડાયેલા વેપારી અલ્કેશ ગંગાણી (ઉ.વ. 34) મોબાઈલ ફોન મારફતે કરંટ એકાઉન્ટના વ્યવહાર કરે છે. દરમિયાન તેમનું મોબાઈલ ફોનનું સીમકાર્ડમાં નેટવર્ક નહીં હોવાથી તેમણે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને ફોન કરતા સીમકાર્ડ નિષ્ક્રિય કરાયાનું કહ્યું હતું. જેથી ટેલિકોમ કંપનીના આઉટલેટ દોડી ગયા હતા. જ્યાં તપાસ કરતા તેમનું અન્ય સીમકાર્ડ રાતના 8.45 કલાકે જ એક્ટિવ થયું છે. જેથી વેપારી ચોંકી ઉઠ્યાં હતા. દરમિયાન​​ બિઝનેસ પાર્ટનર હેતલ પટેલના પતિ વિશાલ પટેલે ગાંગાણીને ફોન કરીને જણાવ્યું કે, તેમના કંપનીના ખાતામાં શંકાસ્પદ રીતે વધુ સંખ્યામાં વ્યવહારો થયા છે. જો કે, વેપારીને બેંકમાંથી કોઈ ઓટીપી આવ્યાં ન હતા. જેથી પેંકમાં તપાસ કરતા ખાતામાંથી 28 વ્યવહારો મારફતે 2.39 કરોડ ડેબિટ થયાનું સામે આવ્યું હતું. જેના પરિણામે વેપારી પણ ચોંકી ઉઠ્યાં હતા. સમગ્ર ઘટના સામે આવતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કવાયત શરૂ કરી છે.