અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ટ્રીટમેન્ટ વગર ગંદુ કેમિકલ વાળુ પાણી છોડતા એકમો સામે કડક કાર્યવાહી કરવાની ગુજરાત હાઈકોર્ટે ચેતવણી આપી છે. હાઈકોર્ટે રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પણ કડક પગલાં લેવા આદેશ કર્યો છે. કોર્ટ મિત્ર હેમાંગ શાહ સ્વતંત્ર રીતે ઈન્ડસ્ટ્રીઝનું ઈન્સપેક્શન કરી શકશે. જ્યારે કોર્ટના બન્ને જજીસ પણ સરપ્રાઈઝ વિઝીટ કરે તેવો સંકેત કોર્ટે આપ્યો હતો. કોર્ટનું કહેવું હતું કે, સાબરમતી નદી અને રિવરફ્રન્ટનું આપણે ગૌરવ લઈએ છીએ, પરંતુ તેમા દૂષિત પાણી છોડાતુ હોય તે ચલાવી નહીં લેવાય. સત્તાની ટોચ પર બેઠેલા લોકો આવા ઔદ્યોગિક એકમોને રક્ષણ આપે તે દુ:ખદ છે.
અમદાવાદમાં સાબરમતી નદીમાં ટ્રીટમેન્ટ કર્યા વિના ઓદ્યોગિક એકમોનું પાણી છોડવાના મુદ્દે હાઈકોર્ટે કડક શબ્દોમાં ટિપણી કરીને કડક પગલાં લેવાની ચેતવણી આપી હતી. કોર્ટ મિત્ર હેમાંગ શાહે રજુઆત કરી હતી કે, કેટલાક વેપારીઓ આ સુએઝ લાઈનમાં કાણા પાડીને તેમનું ઇન્ડસ્ટ્રીયલ ગંદુ પાણી છોડે છે. તંત્ર બંધુ જાણે છે, છતાંય તંત્ર કાર્યવાહી કરતું નથી. રિવરફ્રન્ટ પર જ્યાં આ પાણી છોડવામાં આવ્યું હતું ત્યાં હું 5 વાગે ગયો હતો. ત્યાં એક ક્ષણ પણ ઉભું રહેવાય એવી સ્થિતિ ન હતી. હાઈકોર્ટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને AMCને કડક પગલા લેવાના શરૂ કરે તેવો કોર્ટે આદેશ આપ્યો છે.
અમદાવાદના રિવરફ્રન્ટ પછી નદીના નીચાણ વાળા વિસ્તારમાં નદીનુ પોતાનું બિલકુલ પાણી જ નથી. રિવરફ્રન્ટ પછીની સાબરમતી નદીમાં જે પાણી દેખાય છે તે માત્ર નરોડા, ઓઢવ, વટવા, નારોલના ઉદ્યોગોનું કેમીકલયુક્ત અને અમદાવાદની ગટરોનું ગંદુ પાણી જ વહે છે. સમિતિએ તેના અહેવાલમાં એવો પણ ધડાકો કર્યો હતો કે, પ્રદૂષણ કરનારા ઉદ્યોગો જેઓ પોતાના કેમિકલયુક્ત ઝેરી પ્રવાહી તેમ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પોતાના પ્રદૂષિત ગંદા ગટરના પાણીને ટ્રીટમેન્ટ કર્યા વગર અથવા ખૂબ નબળી ટ્રીટમેન્ટ કરીને સાબરમતી નદીમાં છોડી દે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યા પછી પણ સાબરમતી નદીને પ્રદૂષણથી બચાવવાની ફરજ અદા કરવામાં નિષ્ફળ ગયા છે. સાબરમતી નદીની ભયંકર સ્થિતિ અમદાવાદના રહીશો તેમ જ નીચેવાસમાં સાબરમતી નદીની આસપાસમાં રહેતાં લોકો માટે અતિગંભીર બાબત છે. જેઓ રોજીંદા વપરાશ માટે નદીના પાણી પર આધાર રાખે છે. ભૂગર્ભ જળ ઝેરી બનતા જઇ રહ્યા છે.નદીની આસપાસ પ્રાકૃતિક જીવસૃષ્ટિનો નાશ, સતત નીચે જઇ રહેલું ભૂગર્ભ જળ, પાણીનું જમીનમાં રીચાર્જનું અટકવું અને પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિનો વિનાશ વગેરે મુખ્ય છે.
શહેરના સાબરમતી રિવરફ્રન્ટના પાણીમાં 4.66 એમજી આઇડીઓ છે. 28 એમજી સીઓડી છે. 96 એમજી બીઓડી છે., 153 એમજી સલ્ફેટ છે. 668 એમજી ટીડીએસ છે જે પાણી પી શકાય તેવું નથી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રમાણ અલગ અલગ રીતે હદજનક રીતે ભયાનક છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાં સાબરમતી નદીને ગુજરાતની સૌથી વધારે પ્રદુષિત નદી ગણાવવામાં આવી છે. સાબરમતી નદીમાં તાજું પાણી નથી. રિવરફ્રન્ટમાં પણ જે પાણી હોય છે તે બંધિયાર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની આસપાસ આવેલા ઉદ્યોગોના કચરા અને કેમિકલથી નદી એટલી હદે પ્રદૂષિત થઇ છે કે જેને સુધારવા માટે સરકારને પાંચ વર્ષનો સમય ઓછો પડે તેમ છે.