Site icon Revoi.in

અમદાવાદઃ ચાર વર્ષમાં ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતા રખડતા શ્વાનનો ત્રાસ યથાવત

Social Share

અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. રખડતા ઢોરો રસ્તા ઉપર અડીંગો જમાવી લેતા હોવાથી અવાર-નવાર માર્ગ અકસ્માત બને છે. આ મુદ્દે હાઈકોર્ટે તંત્રને આકરી ટકોર કરી છે. બીજી તરફ શેરી શ્વાનનો ત્રાસ પણ વધ્યો છે. દરમિયાન શહેરમાં પાંચ વર્ષના સમયગાળામાં શ્વાન કરડવાના 2.47 લાખ સામે આવ્યાં છે. આ ઉપરાંત બીલાડી કરવાના 751 અને વાંદરા કરવાના 205 કેસ સરકારી ચોપડે નોંધાયાં છે. બીજી તરફ ચાર વર્ષમાં શ્વાનના ખસીકરણ માટે તંત્ર દ્વારા 10 કરોડથી વધારે ખર્ચ કરવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2019માં પશુ કરડવાના કુલ 67756 કેસ નોંધાયાં હતા. જ્યારે વર્ષ 2020માં 52318, 2021માં 51812 કેસ નોંધાયા હતા. વર્ષ 2022માં ઓક્ટોબર સુધીમાં શહેરમાં પશુઓ કરડવાના 48 હજારથી વધારે કેસ નોંધાયાં છે. બીજી તરફ શહેરમાં શ્વાનના ખસીકરણ માટે મનપા તંત્રએ અભિયાન હાથ ધર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ શ્વાન સહિતના પશુઓ કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે.

સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ચાર વર્ષમાં 1.18 લાખ શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. વર્ષ 2019માં 36563, 2020માં 21502, 2021માં 30360 અને 2022માં 29 હજારથી વધારે શ્વાનની ખસી કરવામાં આવી છે. ચાર વર્ષના સમયગાળામાં શ્વાનના ખસીકરણ માટે મનપા તંત્ર દ્વારા 10.67 કરોડનો ખર્ચ કરાયો છે. વર્ષમાં 2019માં 3.24 કરોડ, 2020માં 1.91 કરોડ, 2021માં 2.77 કરોડ તથા 2022માં 2.74 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં બે લાખથી વધારે શ્વાન હોવાનું જાણવા મળે છે.