Site icon Revoi.in

અમદાવાદઃ લેખંબામાં રામકૃષ્ણ મઠનું ધામધૂમથી ભૂમિ પૂજન

Social Share

*હવે આ વિસ્તારનો અભ્યુદય અને આધ્યાત્મિક પ્રગતિ થશે :સ્વામી સુહિતાનંદજી*

અમદાલાદઃ સાણંદ તાલુકાનાં લેખંબા ગામમાં રામકૃષ્ણ મઠ, અમદાવાદની નવસંપાદિત જમીન પર ભૂમિપૂજન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન, બેલૂર મઠના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે રામકૃષ્ણદેવે વિશ્વને જ્ઞાન અને આધ્યાત્મિક શક્તિ માટે એક નવો રાહ દર્શાવ્યો છે. જેના આધારે રામકૃષ્ણ મઠ-મિશને ગુજરાતમાં વિવેકાનંદ સાહિત્ય-પ્રચાર, ઠેર ઠેર ભાવ-પ્રસાર દ્વારા વિશાળ પાયે રાહતકાર્યો કર્યાં છે. હવે લેખંબામાં પણ આ પ્રવૃત્તિ વિસ્તરી છે તેથી લેખંબા અને આસપાસના વિસ્તારમાં સૌ કોઈનો અભ્યુદય અને આધ્યાત્મિક પ્રગતિ થશે.

ભૂમિ પૂજન કાર્યક્રમમાં ગામેગામથી વિશાળ માનવ મેદની ઉમટી પડી હતી. અન્નપૂર્ણા તિથિના શુભ દિવસે ગામની શાળાની કન્યાઓએ અને ગ્રામજનોએ ઉત્સાહભેર સામૈયું કરી મઠ-મિશનના સ્વામીજીઓનું સ્વાગત કર્યું હતું. ભૂમિપૂજનની વિધિ દરમિયાન જાણીતા ગાયક નિરંજનભાઈ પંડયા તથા નિકુંજભાઈ નિરંજનભાઈ પંડયાએ ભજનો રજૂ કરીને ભક્તિસભર વાતાવરણ ખડું કર્યું હતું. સ્વાગત પ્રવચનમાં રામકૃષ્ણ મઠ, અમદાવાદના નવનિયુક્ત અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજીએ સહુનું સ્વાગત કરતાં રામકૃષ્ણદેવ, માં શારદામણિદેવી તથા સ્વામી વિવેકાનંદના રામકૃષ્ણ સંઘનું દર્શન તથા ભાવ સરળ શબ્દોમાં ગ્રામજનોને સમજાવ્યાં હતાં. અને આ મઠનાં નિર્માણમાં ગામલોકોની મોટી સહભાગીદારી હોવાનું જણાવ્યું હતું. તાજેતરમાં જેમણે મૂલ્યવાન યોગદાન આપ્યું એવા ગણમાન્ય વ્યક્તિઓને સ્વામી વિવેકાનંદની નયનરમ્ય છબી તથા વિવેકાનંદ સાહિત્યનાં પુસ્તકો વડે સ્વામીજીઓના વરદ હસ્તે સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગુજરાતના વનમંત્રી કિરીટસિંહ રાણાએ મઠ-મિશનની સાથે પોતાનો જૂનો નાતો હોવાનું જણાવી અત્યાર સુધીનાં રાહતકાર્યોને યાદ કરી સેવાની તત્પરતાને વંદનીય ગણાવી આ ગામ અને તાલુકાને ભાગ્યશાળી ગણાવ્યા હતાં. આ પ્રસંગે સાણંદ-બાવળાના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલે ગામમાંથી મઠની જમીન તરફ જતો રસ્તો પાકો બનાવી આપવા માટે પૂરતા પ્રયત્નો કરશે એવી જાહેરાત કરતાં લોકોએ એને વધાવી લીધી હતી. આ પ્રસંગે રામકૃષ્ણ કુટિર, અલ્મોડા (ઉત્તરાખંડ)ના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ સાત દાયકાથી સેવાયેલ સપનાંને સાકાર થતું જણાવ્યું હતું અને રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે જે રીતે મોટી સંખ્યામાં દેશ વિદેશથી ભકતો એ લેખંબા ગામના ગુગલ મેપ લોકેશનની માગણી કરી છે તે જોતાં રામકૃષ્ણ મઠના આવવાથી હવે લેખંબા ગામ વૈશ્વિક નકશામાં સ્થાન પામ્યું છે. સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અરવિંદસિંહ વાઘેલા, સાણંદ નગરપાલિકાના પ્રમુખ સ્નેહલબહેન કેયૂરભાઈ શાહ તથા સરપંચ, રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજી, રામકૃષ્ણ મઠ (સૂચિત), ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી, રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી ગુણાશ્રયાનંદજી, રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી ઈષ્ટમયાનંદજી, રામકૃષ્ણ મઠ (સૂચિત), આદિપુર-કચ્છના અધ્યક્ષ સ્વામી મંત્રેશાનંદજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી સુખાનંદજીએ રામચરિતમાનસના આધારે ભગવાન રામનાં પ્રાગટ્ય સમયનાં દર્શન સૂર્યને થયાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રાગટ્ય સમયનાં દર્શન ચંદ્રને થયાં એ સંદર્ભ વર્ણવી ભગવાન શ્રી રામકૃષ્ણનાં પ્રાગટ્ય સમયનાં દર્શન સૂર્ય અને ચંદ્ર બંનેને થયાં હતાં એ પ્રસંગનું રસપાન સંગીતમય શૈલીમાં કરાવ્યું હતું.

કાર્યક્રમનાં આયોજન માટે સક્રિય રહેલા સાણંદના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલે ઉપયોગી થનાર વિશેષ લોકોનો આભાર પ્રગટ કર્યો હતો. સ્વામી મંત્રેશાનંદજીએ જમીન સંપાદન કરવામાં મદદરૂપ થનારા વ્યક્તિઓ તેમ જ ગ્રામજનો અને ગુજરાતભરમાંથી આવેલા ભક્તો અને શુભેચ્છકો પ્રત્યે ધન્યવાદની લાગણી વ્યક્ત કરી આભારદર્શન કર્યું હતું.

લેખંબામાં નિર્માણાધિન આ સંકુલમાં રામકૃષ્ણ સાર્વજનિક મંદિર, સભાગૃહ, શૈક્ષણિક સંકુલ, વિદ્યાર્થી ગૃહ, તબીબી સુવિધાઓ અને વિવેકાનંદ મ્યુઝિયમ અંદાજે ૭૫ કરોડના ખર્ચે તૈયાર થશે.