Site icon Revoi.in

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર, જાણો ક્યા સમયે ઉપડશે ટ્રેન

Social Share

અમદાવાદઃ શહેરની મેટ્રો ટ્રેનમાં રોજબરોજ ટ્રાફિક વધતો જાય છે. હવે તો કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અપ-ડાઉન માટે  મેટ્રો ટ્રેન આશીર્વાદરૂપ બની રહી છે. ત્યારે કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેનના સમયમાં ફેરફાર કરવાની માગ ઊઠી હતી. તેના લીધે મેટ્રો ટ્રેન સવારે 6.20 વાગ્યાથી દોડતી થઈ જશે. તેના લીધે નિયમિત અપડાઉન કરતા વિદ્યાર્થીઓ સમયસર કોલેજોમાં પહોંચી શકશે.

અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન હવેથી સવારે સાત વાગ્યાની જગ્યાએ 6.20 વાગ્યાથી દોડશે. અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં થલતેજથી વસ્ત્રાલ અને ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી દિવસ દરમિયાન બે વધારાની ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. સવારે 6.20 અને 6.40 વાગ્યાથી મેટ્રો ટ્રેન શરૂ થઈ જશે. જેનાથી કોલેજ જતા વિદ્યાર્થીઓને વધુ રાહત રહેશે. મોર્નિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ કોલેજમાં સમયસર પહેંચી શકશે.

જીએમઆરસી લિમિટેડની યાદીમાં જણાવાયું છે. કે, સમાજના વિવિધ વર્ગોની માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. ના સત્તાધિકારીઓ દ્વારા પ્રાયોગિક ધોરણે મેટ્રો રેલ સેવાઓને નિયમિત સમય કરતાં અડધો કલાક વહેલા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત વસ્ત્રાલ ગામ, થલતેજ, એ.પી.એમ.સી. અને મોટેરા બે વધારાની ટ્રેન દોડાવવામાં આવશે. જેમાં પ્રથમ ટ્રેન સવારે 6.20 કલાકે ઉપડશે તથા બીજી ટ્રેન 6.40 કલાકે ઉપડશે. ત્યારબાદ સવારના 7 કલાકથી મેટ્રો સેવાઓ રાબેતા મુજબ 12 મિનિટના અંતરે કાર્યરત રહેશે. અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ (East-West અને North-South) બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન 12 મિનિટનાં અંતરે સવારે 7 કલાક થી રાતે 10 કલાક સુધી હાલમાં મેટ્રો ટ્રેન સેવાઓ કાર્યરત છે.