Site icon Revoi.in

અમદાવાદઃ શાકભાજીના ભાવમાં વધારો, મોટાભાગના શાકભાજીનો ભાવ રૂ. 100ને પાર પહોંચ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાની અસર જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં જોવા મળી રહી છે. હવે તહેવારોના સમયે જ લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જો આમ જ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતો રહેશે તો કોરોના બાદ આર્થિક મુશ્કેલીનો સામનો કરતી જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

હાલ નવરાત્રિ ચાલી રહી છે અને આગામી દિવસોમાં દિવાળીના તહેવારોનો શુભારંભ થશે. બીજી તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. ઈંધણમાં ભાવ વધારાની સાથે જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. દિવાળીના તહેવારો પૂર્ણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યાં છે. ગવાર, ચોળી, કોથમરી અને મેથી સહિતના શાકભાજીના ભાવ રૂ. 100ને પાર પહોંચ્યો છે.

એપીએમસીમાં કોથમરી રૂ. 40થી 60, ગવાર રૂ. 90, ચોળી રૂ. 100 જેટલો બોલાઈ રહ્યો છે. જ્યારે માર્કેટમાંથી ગ્રાહક સુધી પહોંચતા આ શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થઈ જાય છે. છુટક બજારમાં રૂ. 140થી 150 અને વટાણા રૂ. 150થી 200નો ભાવ બોલાઈ રહ્યો છે. જ્યારે ટામેટા અને ડુંગળીના ભાવો પણ આસમાને પહોંચ્યાં છે. વરસાદે વિદાય લેતા પહેલાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડતાં કોથમીર, ગવાર અને મેથીના પાકને નુક્સાન થયું છે. દિવાળીના તહેવારો દરમિયાન શાકભાજીના ભાવમાં હજુ પણ વધારો થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. બીજી તરફ મોંઘવારીનો માર સહન કરતી પ્રજા ઉપર પણ શાકભાજીનો ભાવ વધતા બોજો વધ્યો છે.