Site icon Revoi.in

અમદાવાદ: ગરમીથી બચવા ટ્રાફિક સિગ્નલ પર લગાવેલા ગ્રીન નેટ આશીર્વાદને બદલે આફત બન્યા! ટ્રાફિક જામની સમસ્યા વકરી

Social Share

અમદાવાદ, 18 એપ્રિલ 2026: ગુજરાતમાં હાલ ઉનાળો આકરા તેવર બતાવી રહ્યો છે. આ કાળઝાળ ગરમીમાં મેગાસિટી અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. બપોરના સમયે રસ્તા પર નીકળતા વાહનચાલકો શેકાયા વગર રહેતા નથી. આ સ્થિતિમાં વાહનચાલકોને રાહત આપવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને કેટલીક સંસ્થાઓ દ્વારા શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર ‘ગ્રીન નેટ’ (શેડ) લગાવવામાં આવ્યા છે. જોકે, સુવિધા માટે કરવામાં આવેલી આ વ્યવસ્થા હવે વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની રહી હોય તેવી ફરિયાદો ઉઠી રહી છે.

શહેરના સૌથી વ્યસ્ત ગણાતા ઈસ્કોન ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સામાન્ય દિવસોમાં પણ રહેતી હોય છે. વાહનચાલકોને લૂ થી બચાવવા માટે અહીં પણ વિશાળ શેડ ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ આ શેડને ટેકો આપવા માટે જે લોખંડની એન્ગલો નાખવામાં આવી છે, તે રસ્તા પર થોડી બહારની તરફ હોવાથી વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ એન્ગલોના કારણે રસ્તાની પહોળાઈ ઘટી હોય તેવો અહેસાસ થાય છે, પરિણામે ટ્રાફિકની ગતિ ધીમી પડી જાય છે.

શેડની આસપાસ સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે લગાવવામાં આવેલા બેરિકેટ્સ પણ અવરોધરૂપ સાબિત થઈ રહ્યા છે. વાહનચાલકોએ ફરિયાદ કરી હતી કે, એકવાર સિગ્નલ બંધ થયા બાદ વાહનોની એટલી લાંબી લાઈનો લાગે છે કે બીજી વાર સિગ્નલ ખુલે ત્યારે પણ માંડ થોડાક ફોર-વ્હીલર ક્રોસ થઈ શકે છે. શેડ નીચે જગ્યા ઓછી હોવાથી ટુ-વ્હીલરચાલકો અહીં ઉભા રહેવા માટે પડાપડી કરે છે, જેના કારણે પાછળ આવતા ટ્રાફિકને અવરોધ પહોંચે છે. એટલું જ નહીં રોડ પર મુકાયેલા બેરિકેટિંગને કારણે ટુ-વ્હીલર ચાલકોને પણ સાઈડમાંથી નીકળવામાં મુશ્કેલી પડે છે.

ગરમીથી રાહત આપવાનો ટ્રાફિક પોલીસનો અભિગમ સારો છે, પરંતુ આ શેડ અણધડ લગાવ્યા હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરી છે. જેથી વાહન ચાલકોની માંગ છે કે, આ વ્યવસ્થામાં જ્યાં જરૂરી લાગે ત્યાં યોગ્ય ફેરફાર કરવામાં આવે જેથી ગરમીથી બચવાની સાથે ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળે.

આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓના DAમાં બે ટકાનો વધારો, કેબિનેટનો નિર્ણય

Exit mobile version