Site icon Revoi.in

અમદાવાદ: ગરમીમાં BRTS બસ સ્ટેન્ડ અને AMTS ડેપો ઉપર ઠંડા પાણી અને ORSની વ્યવસ્થા કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે, તેમજ ચાલુ વર્ષે ઉનાળો વધારે આકરો રહેવાની આગાહી કરવામાં આવી છે. ઉનાળાની કાઝળાઝ ગરમી અને હિટવેવને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ એએમટીએસના ડેપો અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર પાણીની સાથે ઓઆરએસની વ્યવસ્થા કરવા માટે મનપા સત્તાવાળાઓએ નિર્દેશ કર્યો છે, એટલું જ નહીં બપોરના સમયે બગીચા ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરના સમયે ચાર રસ્તા ઉપર ટ્રાફિક નિયમનની કામગીરી કરતા ટ્રાફિક જવાનો માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં છાસ વિતરણ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. જેથી આકરી ગરમીમાં બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓ અને રાહદારીઓને પીવાનું પાણી મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. ગરમીમાં શહેરીજનોને રાહત મળે તે માટે બીઆરટીએસના બસ સ્ટેન્ડ અને એએમટીએસ ડેપોમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ શહેરીજનોને હિટ સ્ટ્રોકનો સામનો ના કરવો પડે તે માટે ઓઆરએસ વ્યવસ્થા માટે સુચના આપવામાં આવી છે.

આ ઉપરાંત મનપા સંચાલિત હોસ્પિટલો અને દવાખાનાઓમાં હિટસ્ટ્રોકને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. AMC દ્વારા શહેરના તમામ બિલ્ડરોને તેમના કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે સૂચના આપી દેવામાં આવી છે. ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી તેમના કર્મચારીઓ માટે ઓ.આર.એસ પેકેટની વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા એક્શન પ્લાન અનુસાર શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા બગીચાઓ બપોરના સમયે ખુલ્લા રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.