Site icon Revoi.in

અમદાવાદઃ કોરોનાના કેસમાં વધરો થતા તંત્ર હરકતમાં આવ્યું, ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે. દરમિયાન મનપા તંત્ર સફાળુ જાગ્યું છે અને હવે માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. એટલું જ માસ્ક વિના ફરતા લોકોને પકડીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં ફરીથી કોરોના ટેસ્ટીંગ ડોમ ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર AMCના આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર ચેકિંગ કરશે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. AMC આરોગ્ય વિભાગના વડા ડૉ.ભાવિન સોલંકીએ કહ્યું કે, રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. જેના માટે અલગ અલગ ટીમો દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે લોકોએ ફરજીયાત માસ્ક પહેરવો જોઈએ. હાલ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર બસ સ્ટેન્ડ ઉપર કોરનોના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થશે તો શહેરના વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ ડોમ ઉભા કરવામાં આવશે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત 100થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. જેમાં અમદાવાદ અને વડોદરામાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.

(Photo-File)