Site icon Revoi.in

ટ્રાફિકના નિયમો ભંગ કરવામાં અવ્વલ અમદાવાદીઓ દંડ નહીં ભરવામાં પણ અવ્વલ

Social Share

અમદાવાદઃ શહેરના ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને ઈ-મેમો મોકલાવવામાં આવે છે. દરમિયાન શહેરમાં પાંચ વર્ષના સમયગાળામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહન ચાલકોને 60 લાખ જેટલા ઈ-મેમો આપીને રૂ. 172 કરોડનો દંડ ફટકાર્યો છે. જો કે, વાહન ચાલકોએ માત્ર રૂ. 28 કરોડનો જ દંડ ભર્યો હોવાનું જાણવા મળે છે. એટલે કે વાહન ચાલકોએ રૂ. 130 કરોડના ઈ-મેમો ભર્યા નથી. દંડની રકમ વસુલવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં વર્ષ ૨૦૧૫થી તા.૩૦ જાન્યુઆરી ૨૦૨૧ સુધીના સ્ટોપલાઇનના ભંગ બદલ 39 લાખ ઇ-મેમો આપીને કુલ રૂ. 122 કરોડનો દંડ ફટકાવામાં આવ્યો હતો. આ ઉપરાંત હેલ્મેટ નહીં પહેરવા બદલ 15 લાખ ઈ-મેમો આપીને રૂ. 30 કરોડ, નો પાર્કિંગના 2.94 લાખ મેમો આપીને રૂ. 4 કરોડ, રોંગ સાઇડ વાહન હંકારવાના 31 હજાર મેમો આપીને રૂ. 2.94 કરોડ આમ ટ્રાફિકના વિવિધ નિયમો ભંગ કરવા બદલ 60 લાખ જેટલો મેમો આપીને રૂ. 172 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અમદાવાદીઓએ અત્જેયાર સુધીમાં સ્ટોપલાઈનના ભંગ બદલ રૂ. 28 કરોડ, હેલ્મેટના મુદ્દે 8.96 કરોડ મળીને  વાહન ચાલકોએ માત્ર 42 કરોડનો જ દંડ ભર્યો છે. જયારે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ હજુ રૂ. 130 કરોડનો દંડ ભરવાનો બાકી છે. એટલે અમદાવાદીઓના માથે ઇ-મેમોનું રૂ. 130 કરોડનું દેવું છે. અમદાવાદના ટ્રાફિક વિભાગ દ્વારા ઈ-મેમોના બાકી દંડની વસુલાત માટે કવાયત શરૂ કરવામાં આવી છે.