નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: વૈશ્વિક બજારમાં અત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને જે પ્રકારનો અતિશય ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તે લાંબો સમય ટકે તેમ નથી. તાજેતરના એક અહેવાલ મુજબ, જ્યારે AI પાછળની આ આંધળી દોટ ધીમી પડશે, ત્યારે વૈશ્વિક રોકાણકારો માટે ભારત ફરી એકવાર સૌથી સુરક્ષિત અને પ્રિય રોકાણ સ્થળ તરીકે ઉભરી આવશે. રિપોર્ટ સૂચવે છે કે ટેકનોલોજીના નામે રોકાણકારોએ ભારતમાંથી જે નાણાં ખેંચ્યા છે, તે ટૂંક સમયમાં જંગી પ્રમાણમાં પરત આવશે.
રિપોર્ટમાં AI ક્ષેત્રે થઈ રહેલા ખર્ચ સામે લાલબત્તી ધરવામાં આવી છે. અહેવાલના ચોંકાવનારા આંકડાઓ મુજબ વૈશ્વિક કંપનીઓએ જનરેટિવ AI પાછળ 30 થી 40 અબજ ડોલરનું તોતિંગ રોકાણ કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, 95 ટકા સંસ્થાઓને હજુ સુધી આ મંગી ટેકનોલોજીથી કોઈ નક્કર આર્થિક નફો થયો નથી. મોટાભાગનું રોકાણ દેવું કરીને કરવામાં આવ્યું છે, જે ભૂતકાળના ટેલિકોમ અને ફાઈબર નેટવર્ક બૂમ જેવી જોખમી સ્થિતિ પેદા કરી શકે છે. વર્તમાન સમયમાં ભારત પાસે સેમિકન્ડક્ટર કે મોટા ડેટા સેન્ટર્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મર્યાદિત હોવાથી તેને નબળાઈ ગણવામાં આવે છે. અહેવાલ અનુસાર, જ્યારે AI નો આ હાઈપ (Hype) ખતમ થશે, ત્યારે રોકાણકારો એવા બજારો તરફ વળશે જ્યાં આર્થિક પાયો મજબૂત હોય. ભારતની આંતરિક માગ અને સ્થિર અર્થતંત્ર રોકાણકારોને ફરી આકર્ષશે.
AI માં નાણાં રોકવા માટે રોકાણકારોએ ભારતીય બજારમાંથી મોટાપાયે એક્ઝિટ લીધી છે. વર્ષ 2024માં અંદાજે 23 અબજ ડોલર ભારતની બહાર ગયા. જ્યારે વર્ષ 2025માં અંદાજે 13 અબજ ડોલર વિદેશી રોકાણકારોએ પાછા ખેંચ્યા. જોકે, રિપોર્ટ મુજબ આ ટ્રેન્ડ હવે રિવર્સ થવાની તૈયારીમાં છે. રોકાણકારો ફરીથી ભારતીય શેરોમાં ખરીદી શરૂ કરશે તેવી પૂરી શક્યતા છે. વિદેશી મૂડી બહાર જવા છતાં ભારતની ઈકોનોમી ડગમગી નથી. વૈશ્વિક જીડીપી વૃદ્ધિમાં ભારતનો હિસ્સો 9 ટકા જેટલો મોટો છે. 2025 થી 2028 દરમિયાન ભારતનો વૃદ્ધિ દર 6.7 ટકા રહેવાની ધારણા છે, જે G20 દેશોમાં સૌથી ઝડપી છે.
આ પણ વાંચોઃભારત-પાક સરહદ પર આવેલા નડાબેટમાં યાયાવર પક્ષીઓનો જમાવડો

