Site icon Revoi.in

રામભક્તોને એર ઈન્ડિયા એક્સપ્રેસની ભેટ,અયોધ્યા,બેંગલુરુ અને કોલકાતા વચ્ચે સીધી ફ્લાઈટની જાહેરાત

Social Share

લખનઉ:અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત 5 હજારથી વધુ મહેમાનો હાજરી આપવાના છે. જો કે સામાન્ય ભક્તોને પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાના દર્શન કરવાની તક મળશે. આ દરમિયાન એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા રામ ભક્તો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેથી તેઓ સરળતાથી ભગવાન રામના દર્શન કરી શકે.

એર ઈન્ડિયા એક્સપ્રેસે શુક્રવારે જાહેરાત કરી છે કે તે 17 જાન્યુઆરીથી અયોધ્યાથી બેંગલુરુ અને કોલકાતાને જોડતી સીધી ફ્લાઈટ શરૂ કરશે. આ પહેલા કંપનીએ અયોધ્યા અને દિલ્હી વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. આ રૂટ પર ફ્લાઈટનું સંચાલન શનિવારથી જ શરૂ થશે.

એર ઈન્ડિયા એક્સપ્રેસના ચીફ કોમર્શિયલ ઓફિસર અંકુર ગર્ગે પણ અયોધ્યા પહોંચવા માટે બેંગલુરુ અને કોલકાતાથી સીધી ફ્લાઈટ શરૂ કરવા અંગે નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે બેંગલુરુ અને કોલકાતા, અમારા નેટવર્કમાં મહત્વપૂર્ણ કેન્દ્રો તરીકે, અયોધ્યાના પ્રવેશદ્વાર તરીકે કામ કરશે. આનાથી દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના તીર્થયાત્રીઓને અહીં સીધા આવવાની સુવિધા મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે જવાના છે. પીએમ મોદીની આ મુલાકાત ઐતિહાસિક હશે. અહીં પીએમ પુનઃવિકાસિત અયોધ્યા રેલવે સ્ટેશન અને નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય પીએમ નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે.