Site icon Revoi.in

કથિત નગરપાલિકા નોકરી કૌભાંડઃ પશ્ચિમ બંગાળના મંત્રી સુજીત બોઝના ઘરે EDના દરોડા

Social Share

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમની કાર્યવાહી ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં પણ ED સતત દરોડા પાડી રહી છે. દરમિયાન શુક્રવારે ઈડીએ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને બંગાળ સરકારના ફાયર મિનિસ્ટર સુજીત બોઝના ઘરે દરોડા પાડ્યા હતા. તાજેતરમાં જ ED ઉત્તર 24 પરગણામાં પણ દરોડા પાડવા ગઈ હતી જ્યાં તેના પર હુમલો થયો હતો. EDની ટીમે કથિત નગરપાલિકા નોકરી કૌભાંડના સંદર્ભમાં કોલકાતામાં બંગાળના મંત્રી સુજીત બોઝના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે. આ કેસમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સીબીઆઈએ સુજીત બોઝને પણ હાજર થવા માટે બોલાવ્યા હતા. રાજ્યની નગરપાલિકાઓમાં ભરતીમાં કથિત ભ્રષ્ટાચાર થયો છે.

રિપોર્ટ અનુસાર, ઈડીએ રાજ્યના અગ્નિશમન મંત્રી સુજીત બોઝની સાથે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પ્રવક્તા તાપસ રામ્યા અને ઉત્તર દમદમ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ સુબોધ ચક્રવર્તી વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે. ઉત્તર 25 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં ED ટીમ પર હુમલા બાદ આ વખતે વધુ કેન્દ્રીય દળોની હાજરીમાં દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારબાદ EDની ટીમ TMC નેતા શાહજહાં શેખના ઘરે ગઈ હતી. ગયા વર્ષે 28 ડિસેમ્બરે, ઇડીએ આ કેસના સંબંધમાં શહેરમાં નવ અલગ-અલગ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. રાજધાની શહેરના બારાબજાર વિસ્તાર, કાકુરગાચી અને EM બાયપાસમાં વિવિધ લોકો અને રહેવાસીઓની ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

સુજીત બોઝ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારમાં મંત્રી છે. તેઓ પશ્ચિમ બંગાળની બિધાનનગર બેઠક પરથી ધારાસભ્ય છે. 61 વર્ષના સુજીત બોઝનો જન્મ 1 નવેમ્બર, 1962ના રોજ કોલકાતામાં થયો હતો. તેમની પાસે હાલમાં મમતા સરકારમાં ફાયર વિભાગની સાથે ઈમરજન્સી સેવાઓનો (સ્વતંત્ર હવાલો) છે. સુજીત બોઝ 2011માં પહેલીવાર બિધાનનગરથી જીત્યા હતા. ત્યારથી તેઓ ત્યાંથી સતત ધારાસભ્ય રહ્યા છે. 2021ની ચૂંટણીમાં તેમણે ભાજપના ઉમેદવાર સબ્યસાચી દત્તાને હરાવ્યા હતા.