Site icon Revoi.in

અમદાવાદમાં નાના ઉદ્યોગકારોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપતો AMCએ કર્યો નિર્ણય

Social Share

અમદાવાદઃ શહેરમાં નાના ઉદ્યોગકારોને પ્રોપર્ટી ટેક્સમાં થોડી ઘણી રાહત આપતો નિર્ણય બુધવારે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીમાં લેવામાં આવ્યો છે. શહેરમાં નાની ફેક્ટરીઓમાં માલિકો દ્વારા નાની વહીવટી ઓફિસ બનાવવામાં આવે છે જેને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ફેક્ટરીના પરિબળમાં આકારણી કરી અને ટેક્સ લેવામાં આવતો હતો પરંતુ હવેથી 150 ચોરસ મીટરથી વધુ સળંગ ઓફિસ હશે તો જ તેની અલગથી ઓફિસ તરીકેના પરિબળ ગણી આકારણી કરી ટેક્સ વસૂલવામાં આવશે. જોકે, 150 મીટરથી નાની ઓફિસ આવેલી હશે તો તેને ફેક્ટરીના પરિબળમાં જ ગણી અને ટેક્સ લેવામાં આવશે તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિ.ના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે,  રેવન્યુ કમિટીમાં નાના ઉદ્યોગકારોને ફાયદો થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી ટેક્સ વિભાગ દ્વારા ફેકટરીમાં આવેલી ઓફિસને ફેક્ટરી તરીકે ગણી આકારણી કરી ટેક્સ લેવામાં આવતો હતો પરંતુ હવેથી જે ફેક્ટરીમાં 150 ચોરસ મીટરથી વધુ સળંગ મોટી ઓફિસ હશે તેને જ અલગથી ઓફિસ તરીકે ગણતરી કરી અને આકારણી કરવામાં આવશે. જો એનાથી નાની એક ઓફિસ હશે તો તેને ફેક્ટરીના પરિબળમાં જ ગણવામાં આવશે. આ નીતિથી ફક્ત ખુબજ મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં આ સર્ક્યુલર લાગુ પડશે અને નાની ફેક્ટરી/ઇન્ડસ્ટ્રીયલ યુનિટ/શેડમાં કોઈપણ ફેરફાર થશે નહી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગ જેમાં પ્રોપર્ટી ટેકસ, પ્રોફેશન ટેકસ, વ્હીક્લ ટેકસ, ગુમસ્તાધારા વગેરે વિભાગોનો સમાવેશ થાય છે. શહેરના સામાન્ય નાગરિકોને ટેક્સના નીતિ- નિયમો વિષે વિસ્તૃત જાણકારી હોતી નથી. નાગરિકોને પૂરેપૂરી જાણકારી ન હોવાના કારણે ટેકસ વિશે ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે. જો સામાન્ય નાગરિકોને ટેક્સના નીતિનિયમ વિષે જાણકારી તેમજ કાયદાકીય બાબતો અંગે માર્ગદર્શન મળી રહે તેના માટેની એક માહિતી પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકામાં ટેકસ અંગેની જાણકારી ખૂબ સરળ સવાલ જવાબના ફોર્મેટમાં આપવામાં આવ્યા છે. તેમજ સવાલોના જવાબ જી.પી.એમ.સી. એક્ટ, ટેકસ ખાતાના આંતરીક સરક્યુલરો તથા Traditional Practice ના આધારે આપવામાં આવ્યા છે. જે ધ્યાને લઇ આ પુસ્તિકાથી ફક્ત સામાન્ય નાગરીકો જ નહિ પરંતુ ટેકસ ખાતાના સ્ટાફ તથા ચૂંટાયેલી પાંખના સભ્યો પણ ટેક્સ ખાતાના નીતિનિયમો વિશે જરૂરી જાણકારી મળી શકશે. કોઈ પણ નાગરિક ઉપરોક્ત માહિતી પુસ્તિકા હવે પછી સિટી સિવિક સેન્ટર પરથી ફક્ત 50 રૂપિયામાં ખરીદી શકશે અને ટેક્સ વિશે સંપૂર્ણપણે માહિતગાર થઈ શકશે. સામાન્ય નાગરિકોને ટેક્સ વિશે વધુ જાણકારી મળી શકે તો તેમના મનમાં ઉદભવતા પ્રશ્નોનું પણ નિરાકરણ થઈ શકશે.