- જાન્યુઆરીમાં કુલ 570 ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવાયા-1485 એકમોમાં તપાસ, અનેક એકમો સીલ
અમદાવાદ, 02 ફેબ્રુઆરી 2026 – AMC Food Department અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના નાગરિકોના જાહેર આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જાન્યુઆરી 2026 દરમિયાન શહેરના વિવિધ ઝોન અને વોર્ડ વિસ્તારમાં ખાદ્ય ચીજોના નમુના લેવાની અને ચેકિંગની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જાન્યુઆરી માસ દરમિયાન કુલ 570 ખાદ્ય પદાર્થોના નમુના લેવામાં આવ્યા હતા. જેમાં ડ્રાયફ્રૂટ, ગોળ સહિતના 56 શિયાળુ પાકના નમુના, દૂધ અને દૂધની બનાવટોના 14 નમુના, બેકરી પ્રોડક્ટ્સના 17 નમુના, ચોકલેટ્સ, સુગર બોઈલ્ડ કન્ફેક્શનરીના 59 નમુના, મીઠાઈ, જલેબીના 41 નમુના, ઉંધીયુના 10, નમકીનના 27, બેસન, લોટ, મેંદો, અનાજના 32, ખાદ્યતેલના 9, બેવરેજીસ, ઠંડાપીણાના 2, મસાલાના 69 તેમજ અન્ય ખાદ્યચીજવસ્તુઓના 234 સહિત કુલ 570 ચીજ વસ્તુઓના નમુનાનો સમાવેશ થાય છે.
જુઓ વીડિયો
ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા ચકાસણી દરમિયાન નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 1485 એકમોમાં તપાસ કરી 523 નોટિસ ઈસ્યુ કરી હતી. વાસી ખોરાક, સડેલાં ફળો, પાણીપુરીના પાણી સહિત બિનઆરોગ્યપ્રદ 1126 કિલોગ્રામ તેમજ 1318 લીટર જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આ પેટે 5.73 લાખ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે 235 TPC ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
જાન્યુઆરી માસ દરમિયાન પાણીપુરીના પાણી અને રગડા સહિત કુલ 1319 નમુના લેવામાં આવ્યા હતા. જેમાંથી 291 નમુનાઓમાં હાનિકારક ફુડ ગ્રેડ કલર અને બિનઆરોગ્યપ્રદ તત્વો મળી આવ્યા હતા. આ તમામ પાણીપુરીના એકમોને જે તે ઝોનના એસ્ટેટ તેમજ હેલ્થ વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલા છે.
જાહેર આરોગ્ય સાથે ચેડા કરતા અને લાયસન્સ વગર ધંધો કરતા નિકોલ વિસ્તારમાં આવેલા દાસ ખમણને 13 જાન્યુઆરી 2026ના રોજ ગંદકી અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિના કારણે સીલ કરવામાં આવ્યું હતું. 20 જાન્યુઆરીના દિવસે ઉસ્માનપુરામાં આવેલા સવાઈ ભોજ મહારાજ નામના ફૂડ એકમ અને બહેરામપુરામાં આવેલા શૈલેષની પાણીપુરીને ગંદકીના કારણે સીલ કરવામાં આવી હતી. ત્યારબાદ, જુહાપુરા વિસ્તારમાં આવેલા અફઝલ અહેમદભાઈ ઝવેરીના ફૂડ એકમને ફૂડ સેફ્ટી લાયસન્સ ન હોવાથી તેમજ ગંદકીના કારણે સીલ કરવામાં આવ્યું હતું.
FSSAI એક્ટ અંતર્ગત શહેરના તમામ ઝોનમાં કેટલાક એકમોના નમુના અપ્રમાણિત જાહેર થયા હતા. તેમાં મધ્ય ઝોનના શાહીબાગ વિસ્તારમાં આવેલા રાધે ડેરી પાર્લરમાંથી લીધેલો લો ફેટ પનીર, જમાલપુર બ્રિજ નીચેના ફેરીયા પાસેથી લીલી હળદરનો નમુનો અપ્રમાણિત જાહેર થયો હતો.
ક્યાં, કોના પર સપાટો?
આ સિવાય, ઉત્તર ઝોનના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલું જય અંબ પાત્રા હાઉસમાંથી પાત્રાનો નમુનો તેમજ નરોડા વિસ્તારમાં જૈન ચવાણા માર્ટમાંથી લીધેલો ઘીનો નમુનો અપ્રમાણિત જાહેર થયો હતો.શહેરના દક્ષિણ ઝોનના ઈન્દ્રપુરી વિસ્તારમાં આવેલી શ્રી રામ ચોળાફળી નામના એકમની ગ્રીન ચટણી અને મણિનગરના રામદેવ ડ્રાયફ્રુટ્સમાંથી લીધેલા ફ્રાયમ્સના નમુના અપ્રમાણિત જાહેર થયા હતા.
પૂર્વ ઝોનના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બાલાજી પૌઆ હાઉસની લીલી ચટણી, વસ્ત્રાલના ક્રિષ્ના મિલ્ક્સમાં પનીર અને નિકોલના કે.પી.સુપર માર્કેટમાંથી લીધેલો ગોળનો નમુનો અપ્રમાણિત જાહેર થયો હતો.
પશ્ચિમ ઝોનના નવરંગપુરા વિસ્તારમાં આવેલા હોર કિદન ફુડ્સ પ્રા.લીમાંથી લીધેલું બટર અપ્રમાણિત જાહેર થયું હતું. ઉપરોક્ત તમામ એકમોમાંથી લીધેલા ખાદ્યપદાર્થોના નમુના અપ્રમાણિત જાહેર થતા FSSAI એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્ત્વનું છે કે, ભેળસેળયુક્ત ખોરાકની સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. લેબોરેટરીમાં ચકાસણી દરમિયાન જે પ્રકારની ભેળસેળ પકડાઈ છે. પનીર, બટર અને ઘી-દૂધની બનાવટોમાં સ્ટાર્ચ, પામોલિન ઓઈલ કે હલકી ગુણવત્તાની ફેટ ભેળવવાથી તેની પોષણક્ષમતા ઘટે છે અને હ્રદયરોગ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
પાણીપુરીનું પાણી અને લીલી ચટણીમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલરાના લાબા સમય સુધી સેવન કરવાથી અપચો, ઉલટી, ઉબકા તેમજ લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગોળને ચમકાવવા વપરાતા સલ્ફર ડાયોક્સાઈડથી શ્વસનતંત્રને નુકસાન અને અસ્થમા જેવી તકલીફો થઈ શકે છે. ફ્રાયમ્સ અને ફરસાણમાં વારંવાર તળેલા તેલનો ઉપયોગ કરવાથી એસિડિટી તેમજ અન્ય ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

