Site icon Revoi.in

અમદાવાદમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે 2077 એકમોને AMCની નોટિસ

Social Share

અમદાવાદઃ શહેરમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરીને 2077 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્ય સરકારે પર્યાવરણને નુકશાન કરે એવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં કેટલાક વેપારીઓ નિયમોનો ભંગ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક એકમો અને વેપારીઓ દ્વારા સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરીને નિયમનો ભંગ કરવામાં આવતો હોવાની ફરિયાદો મળ્યા બાદ મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા  ગંદકી-ન્યૂસન્સ તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ સપ્તાહમાં 2077 એકમોને નોટિસ ફટકારી છે.  ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ. 6.41 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. ગંદકી અને ન્યૂસન્સને લઈને 1592 અને પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને 485 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં શહેરમાં ગંદકી-ન્યૂસન્સ સહિતના મુદ્દે એકમોની તપાસ કરી નોટિસ ઈશ્યૂ કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 6 નવેમ્બરથી 12 નવેમ્બર દરમિયાન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ગંદકી- ન્યૂસન્સ અંગે શહેરના 1592 એકમોને નોટિસ ઈશ્યૂ કરાઈ હતી અને તેમની પાસેથી દંડ પેટે રૂ. 4.41 લાખ વસૂલ કરવામાં આવ્યા હતા. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ પણ એકમોની તપાસ કરાઈ હતી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 819 એકમોની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાંથી 194 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત 485 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમની પાસેથી રૂ. 2 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યા હતો. આમ, ગંદકી અને ન્યૂસન્સ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દે 2077 એકમોને નોટિસ ઈશ્યૂ કરાઈ હતી અને રૂ. 6.41 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો