વોશિંગ્ટન, 23 જાન્યુઆરી 2023 ; અમેરિકાએ સત્તાવાર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી પોતાની સદસ્યતા ખતમ કરવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ કરેલા વાયદા અનુસાર, અમેરિકા હવે આ વૈશ્વિક સંસ્થાનો ભાગ રહેશે નહીં. વિદેશ મંત્રી માર્કો રુબિયો અને આરોગ્ય મંત્રી રોબર્ટ એફ. કેનેડી જુનિયરે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર બાદ આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. અમેરિકાના આ નિર્ણયથી વર્લ્ડ હેલ્થ ઓર્ગાઈઝેશનની કામગીરીને અસર પડવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ નિર્ણય સાથે જ WHO ને આપવામાં આવતું તમામ અમેરિકન ફંડિંગ અને સ્ટાફિંગ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે.
ટ્રમ્પ પ્રશાસને આરોપ લગાવ્યો છે કે કોવિડ-19 મહામારી દરમિયાન WHO ની ગંભીર નિષ્ફળતાઓને કારણે અમેરિકન જનતાએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે. નિવેદનમાં જણાવાયું છે કે, “WHO પોતાના મૂળ ઉદ્દેશ્યથી ભટકી ગયું છે અને અમેરિકા વિરોધી દેશોના રાજકીય એજન્ડા હેઠળ કામ કરી રહ્યું છે. મહામારી દરમિયાન સમયસર અને સચોટ માહિતી આપવામાં આ સંસ્થા નિષ્ફળ રહી હતી.”
અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે સંસ્થામાંથી બહાર નીકળવાના નિર્ણય બાદ WHO નું વલણ અપમાનજનક રહ્યું છે. પ્રશાસનનો દાવો છે કે, સંસ્થાના મુખ્યાલયમાં લગાવેલો અમેરિકાનો રાષ્ટ્રધ્વજ સોંપવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો. સંયુક્ત નિવેદનમાં નોંધવામાં આવ્યું કે, “અમે સ્થાપક સભ્ય અને સૌથી મોટા આર્થિક મદદગાર હોવા છતાં, છેલ્લા દિવસ સુધી અમેરિકાનું અપમાન કરવામાં આવ્યું છે.” અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે હવે તે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે અન્ય દેશો સાથે સીધી દ્વિપક્ષીય ભાગીદારી અને વિશ્વાસપાત્ર સંસ્થાઓ દ્વારા કામ કરશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા 1948માં WHO નું સ્થાપક સભ્ય બન્યું હતું અને દાયકાઓ સુધી તે આ સંસ્થાનો સૌથી મોટો ડોનર રહ્યો છે. હવે અમેરિકાએ આ ‘અક્ષમ અમલદારશાહી’ માંથી મુક્ત થવાનો માર્ગ પસંદ કર્યો છે.
આ પણ વાંચોઃ કાશ્મીરમાં ભારે હિમવર્ષા: ફ્લાઈટ્સ રદ અને હાઈવે બંધ થતા મુસાફરો અટવાયા

