Site icon Revoi.in

અમેરિકાની ચેતવણી, કાશ્મીર વિવાદ બાદ ભારતમાં પાકિસ્તાની આતંકી હુમલાની શક્યતા

Social Share

જમ્મુ-કાશ્મીર મામલા પર ભારતની તરફથી દુનિયાને એકજૂટ કરાઈ ચુકી છે અને પાકિસ્તાનનો અવાજ ક્યાંક દબાય ગયો છે. પાકિસ્તાન સતત પોતાના બદઈરાદા દુનિયાની સામે રજૂ કરી ચુક્યું છે અને હવે અમેરિકાએ પણ ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં હુમલો કરે તેવી શક્યતા છે. અમેરિકાનું કહેવું છે કે કાશ્મીર મામલા પર પાકિસ્તાન તરફથી ભારતમાં આતંકી હુમલાની શક્યતા છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના આસિસ્ટેન્ટ સેક્રેટરી રેન્ડલ શિલ્વરે વોશિંગ્ટનમાં મંગળવારે આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે ઘણાં લોકોના મનમાં ચિંતા છે કે જમ્મુ-કાશ્મીરના મામલા પર પાકિસ્તાન ક્રોસ બોર્ડર આતંકવાદમાં વધારો કરે તેવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે મને લાગતું નથી કે ચીન તરફથી આ વાત પર પણ પાકિસ્તાનનું સમર્થન કરવામાં આવશે.

વોશિંગ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન જ્યારે રેન્ડલ સાથે જમ્મુ-કાશ્મીર મામલા પર સવાલ કરવામાં આવ્યો અને આ મામલા પર ચીન દ્વારા પાકિસ્તાનનું સમર્થન કરવાની વાત કહેવામાં આવી, તો તેમણે આ મામલા પર જવાબ આપ્યો હતો. રેન્ડલે કહ્યું છે કે ચીનનું પાકિસ્તાનને સમર્થન માત્ર ડિપ્લોમેટિક અને રાજદ્વારી છે.

અમેરિકન ડિપ્લોમેટે કહ્યુ છે કે ચીને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર સમર્થન આપ્યું છે. કાશ્મીરનો મામલો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવામાં આવે અથવા નહીં તેના પર વિચારણા કરાઈ રહી છે. ચીન સાથે પાકિસ્તાનના સારા સંબંધ છે, તેનો ભારતની સાથે પણ મુકાબલો વધી રહ્યો છે.

રેન્ડલ શિલ્વરે કહ્યુ છે કે ભારત અને ચીનના સંબંધો પર તેમણે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે વાત કરી છે, તે ચીન સાથે સારા સંબંધ ચાહે છે. પરંતુ આ વાતને નકારી શકાય નહીં કે કાશ્મીર મુદ્દા સહીત ઘણાં મોટા મુદ્દાઓમાં ચીને પાકિસ્તાનનો સાથ આપ્યો છે.

મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરમાં જ્યારથી ભારતે અનુચ્છેદ-370ને હટાવી છે, ત્યારથી પાકિસ્તાન આના પર હલ્લો મચાવી ચુક્યું છે. ઈમરાનખાને સંયુક્ત રાષ્ટ્રમાં પણ આના પર લાંબુ ભાષણ આપ્યું અને એક પ્રકારે યુદ્ધની પણ ધમકી આપી દીધી. ઈમરાન ખાન ખુદ વધુ એક પુલવામા જેવા હુમલાની વાત કરી ચુક્યા છે. જ્યારે ભારત તરફથી યુદ્ધ નહીં બુદ્ધનો સંદેશો આપવામાં આવ્યો છે.

Exit mobile version